ચાંદખેડામાં પતિએ પત્નિની કરેલી હત્યા
ગૃહકંકાસથી કંટાળી ઉશ્કેરાયેલા પતિએ બીજી પત્નિનું ગળુ દબાવી દીધું : છ બાળકો માતા વિહોણા બન્યા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં સ્ત્રી સંબંધિત ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહયા છે ખાસ કરીને ઘરેલુ હિંસાની ઘટનાઓમાં પોલીસ ત્વરિત કામગીરી કરી રહી છે કેન્દ્ર સરકારના આદેશના પગલે મહિલા પરના અત્યાચારના ગુનાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
જેમાં છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્નિ વચ્ચે ચાલતા ગૃહ કલેશે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નિનું ગળુ દબાવી હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોચી ગઈ છે અને આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
ચોંકાવનારી બાબત એ છે કે આરોપી શખ્સના આ બીજા લગ્ન હતા અને મૃત્યુ પામેલી પ્રથમ પત્નિથી તેને ચાર બાળકો હતા અને બીજા લગ્ન કરતા તેને વધુ બે બાળકો થયા હતાં આમ આ શખ્સના આવેશમાં છ બાળકો માતા વિહોણા બની ગયા છે. ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ચાંદખેડા વિસ્તારમાં કોટેશ્વર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીના ૩૦ નંબરના મકાનમાં મોતી મકવાણા નામનો શખ્સ રહે છે તેના અગાઉ લગ્ન થયા હતા અને પ્રથમ પત્નિ સાથે તેનો સંસાર સુખમય રીતે ચાલ્યો હતો પ્રથમ પત્નિથી તેને ચાર બાળકો થયા હતા જાકે પ્રથમ પત્નિ અવસાન બાદ મોતી મકવાણાએ જશુબેન નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યાં હતાં.
પ્રારંભમાં ગૃહસંસાર સુખમય રીતે પસાર થયો હતો અને બીજા લગ્ન બાદ વધુ બે બાળકો થયા હતાં જેના પરિણામે મોતી મકવાણા છ બાળકોનો પિતા થયો હતો.
મોતી મકવાણા બેંકમાં નોકરી કરતો હતો ને તે તાજેતરમાં જ રિટાયર્ડ થયો હતો બીજીબાજુ મોતીભાઈને તેની બીજી પત્નિ જશુબેન સાથે છેલ્લા ઘણા સમયથી મનમેળ આવતો ન હતો જેના પરિણામે બંને પતિ-પત્નિ વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી થતી હતી અને વાતાવરણ પણ સતત તંગ રહેતુ હતું પતિ-પત્નિ વચ્ચેના ઝઘડાના કારણે બાળકો પણ ત્રાસી ગયા હતાં ઉશ્કેરાટમાં આવી મોતી તેની પત્નિને માર પણ મારતો હોવાનું જાણવા મળી રહયું છે.
આજે વહેલી સવારે મોતી મકવાણા અને તેની પત્નિ જશુબેન (ઉ.વ.પ૦) વચ્ચે ફરી એક વખત ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના પરિણામે ઘરમાં બાળકો પણ હતા અને તેઓએ પણ બુમાબુમ કરી મુકી હતી આ દરમિયાનમાં ઉશ્કેરાટમાં આવેલા મોતીએ તેની પત્નિ જશુબેનનું ગળુ દબાવી દીધુ હતું જેના પરિણામે જશુબેનનું મોત નીપજયું હતું. આ ઘટના બાદ આરોપી પતિ ઘરમાં જ હાજર હતો.
ત્યારે બીજીબાજુ સમગ્ર ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને સ્થળ પર પહોંચી જઈ મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આરોપી પતિ મોતી મકવાણાની ઘરમાંથી જ ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવાયો છે જયાં તેની પુછપરછ કરતા પ્રાથમિક કારણ ગૃહકલેશ હોવાનું બહાર આવ્યું છે. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે પતિએ પત્નિની હત્યા કર્યાની ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પાડોશીઓ તથા તેમના બાળકોની પુછપરછ કરતા મહત્વપૂર્ણ વિગતો જાણવા મળી હતી ગૃહકલેશમાં જ પતિએ પત્નિની હત્યા કરી હોવાનું અધિકારીઓ માની રહયા છે અને હત્યા કર્યાં બાદ પતિ ઘરમાં જ હાજર હોવાથી તેની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે.