ચાંદખેડામાં મકાન ખરીદીમાંં છેતરપીંડી કરી ૨૩ લાખ પચાવી પાડતા ફરીયાદ
અમદાવાદ :ચાંદખેડામાં એક શ્રમજીવી પરિવાર સાથે મકાન વેચવાના બહાને છેતરપીંડી કરવામાં આવી છે. કેટલાંક ઈસમોએ એકત્ર થઈ બીજાને વેચેલુ મકાન આ વ્યક્તિને પધરાવી દેતા તેને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.
રમેશકુમાર ભક્તાણી ચાંદખેડા ખાતે રહે છે. અને સોડાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનું પોતાનું ઘર લેવા માટે નવીન ચૌહાણ નામની વ્યક્તિને વાત કરી હતી. જેણે વેરાઈકૃપા ડેવલોપર્સના ભાગીદારો સાથે ઓળખાણ કરાવી હતી. જેમણે લેન્ડમાર્ક ગ્રીન ખાતે એક ફલેટ બતાવ્યો હતો. અને તે પસંદ આવતા સાડા ત્રેવીસ લાખમાં સોદો નક્કી કરાયા બાદ તમામ રકમ રમેશકુમારે ચુકવી આપી હતી તેમ છતાં વેરાઈ ડેવલોપર્સના માલિકોએ કાચી ડાયરીમાં લખાણ, એલોટમેન્ટ લેટર અને રૂપિયાની પહોંચ આપી હતી. પરંતુ દસ્તાવેજ આપતા નહોતા.
દરમ્યાનમાં તેમણે મકાન ગ્રીનલેન્ડ ડેવલોપર્સની માલિકીનું છે. જેમણે સંકેત શાહ નામના વ્યક્તિને મકાન વેચ્યુ હોવાની જાણ થઈ હતી. આ ઘટના બાદ રમેશકુમારને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં તેમણે ચાંદખેડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ ભાગીદારો વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.