ચાંદખેડામાં સાસરીયાઓએ પરણીતાને ઝેરી દવા પીવડાવતાં ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ : ચાંદખેડામાં અવારનવાર ઝઘડો કરતાં સાસરીયાઓએ પરણીતા દ્વારા કામમાં મોડું થતાં પતિને ઉશ્કેરીને વધુ એક વખત મારઝુડ કરાવી હતી ઉપરાંત પતિએ પત્નીને પકડી રાખતા સાસુએ તેને મચ્છર મારવાની દવા પીવડાવી દેતાં ચકચાર મચી છે. આ ઘટના બાદ બચી ગયેલી પત્નીએ પતિ, સાસુ તથા સસરા વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે શ્રૃતિબેનના લગ્ન ગત વર્ષે ચાંદખેડાની ગંગા વિહાર સોસાયટીમાં રહેતા મનીષ શંકર ગુપ્તા સાથે થયા હતા લગ્નના પાંચ દિવસ બાદથી જ સાસુ નીરૂબેને પતિ મનીષભાઈને શ્રૃતિબેનની મદદ ન કરવા તથા વધુ કામ કરવા માટે ઉશ્કેરતા હતા જેના પરીણામે મનીષભાઈ અવારનવાર શ્રૃતિબેન સાથે મારઝુડ કરતા હતા દરમિયાન શ્રૃતિબેને પુત્રીને જન્મ આપતા તે અંગે પણ મેણાં મારતાં સાસુ-સસરાએ સુખ સાહબી જાેઈએ તો દહેજ લાવવા કહયુ હતું.
દરમિયાન ૩ ડિસેમ્બરે ઘરકામમાં મોડું થતાં મનીષભાઈએ ઉશ્કેરાઈને તેમને માર માર્યો હતો. દરમિયાન સાસુએ ત્યાં પહોચીને “આજે આ જીવતી ના રહેવી જાેઈએ” કહેતાં મનીષભાઈએ તેમને પકડી રાખ્યા હતા જયાં નીરુબેને તેમને મચ્છર મારવાની દવા પીવડાવી દીધી હતી. આ ઘટના બાદ સારવાર લઈ સ્વસ્થ થતાં શ્રૃતિબેને ચાંદખેડા પોલીસને જાણ કરતાં પોલીસે પતિ મનીષભાઈ, સસરા વિનોદભાઈ તથા સાસુ નીરુબેન વિરુધ્ધ હત્યાના પ્રયાસ ઉપરાંત ઘરેલુ હિંસાની કલમો લગાવીને ઘટનાની તપાસ શરૂ કરી છે.