ચાંદખેડા અને ઈસનપુર વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો જીત્યા
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે જીત હાંસલ કરીને કમાલ કરી બતાવી છે. અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે.
બંને વોર્ડમાં ભાજપના કોર્પોરેટરોની જીત થઈ છે. જેમાં ઈસનપુર વોર્ડમાં ભાજપના મૌલિક પટેલ તથા ચાંદખેડા વોર્ડમાં ભાજપના રીટાબેન પટેલની જીત થઈ છે. નોંધનીય છે કે, એક કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં આ બંને સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.
રવિવારે થયેલા મતદાનમાં ચૂંટણી પંચ મુજબ આ બંને વોર્ડની ચૂંટણીમાં સરેરાશ ૨૨ ટકા મતદાન થયું હતું. જેમાં ઈસનપુર વોર્ડમાં ૨૩.૬૦ ટકા જ્યારે ચાંદખેડા વોર્ડમાં ૨૦.૩૨ ટકા મતદાન નોંધાયું હતું. આ બંને વોર્ડની સીટો પર ઈસનપુરમાં ૩ અને ચાંદખેડામાં ૪ ઉમેદવાર મેદાનમાં હતા.
ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ હતી. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા.HS