ચાંદખેડા, કૃષ્ણનગર અને પાલડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પોલીસ દ્વારા સતત કાર્યવાહી છતાં એક પગલું આગળ ચાલતા ચોરોએ ચાંદખેડા, કૃષ્ણનગર, અને પાલડી વિસ્તારને પોતાનો શિકાર બનાવ્યો છે.
ઈન્ટીરીયર ડીઝાઈનર તરીકે નોકરી કરતા ઉત્સવ પ્રજાપતિ (ર૯) મોટેરા ચાંદેખડા ખાતે આવેલી પલાશ ૮૦ નામની સોસાયટીમાં રહે છે. ઉત્સવભાઈ રવિવારે રાત્રે પોતાની સાસરીમાં ગયા હતા. જ્યાંથી સોમવારે પરત ફરતાં મકાનનો મુખ્ય દરવાજા ખુલ્લો જાયો હતો. જેથી અંદર તપાસ કરતાં તસ્કરો તિજારી તોડીને સોના તથા ચાંદીના દાગીના ઉપરાંત સિતેર હજારની રોકડ રકમ ચોરી ગયાનું જણાયુ હતુ. આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
કૃષ્ણનગર, શ્રીરામ ચાર રસ્તા નજીક શ્યામ એન્કલેવમાં રહેતા સપનાબેન ત્રિવેદી (પ૦) નર્સ તરીકે નોકરી કરે છે. અને એકલા રહે છે. તેમને લગ્ન પ્રસંગમાં પહેરવા દાગીના કાઢવા ગયા એ વખતે તિજારીમાંથી તમામ દાગીના ગાયબ હતા. જેના પગલે તેમણે પોતાની સોનાની બંગડી, બુટ્ટી, ચુની સહિત કુલ એક લાખથી વધુની મત્તાની ચોરીની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે પાલડીમાં એઈમ્સ હોસ્પીટલ સામે આવેલા અષ્ટમંગલ ફલેટમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને મકાનમાં રહેલી તિજારીના તાળા તોડીને ૬૦ હજારની રોકડ ઉપરાંત ચાંદીના સિક્કા ચોરી કર્યા હતા. જેની ફરીયાદ મકાન માલિક યોગેશભાઈ શાહએ નોંધાવી હતી.