ચાંદખેડા, મોટેરા વગેરે પશ્ચિમના વિસ્તારોને કોતરપુર વોટર વર્ક્સમાંથી પાણી પૂરું પડાશે
અમદાવાદ, શહેરનો વિકાસ હરણફાળ ગતિએ થઇ રહ્યો છે. ચારે તરફ સિમેન્ટ-કોંક્રીટના જંગલ પથરાઇ ગયા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં વધુ વિકાસ થઇ રહ્યો છે. ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારમાં વર્ટિકલ ડેવલપમેન્ટ થઇ રહ્યુ હોઇ વસ્તીમાં વધારો થયો છે એટલે સ્વાભાવિકપણે પાણીની માગ પણ વધી છે. આને જાેતા મ્યુનિ. તંત્ર દ્વારા કોતરપુર વોટર વર્ક્સનો પાણી પુરવઠો આ વિસ્તારમાં પૂરો પાડવા નવા પ્રોજેક્ટ હાથ ધરાયો છે. વોટર સપ્લાય કમિટીમાંથી પસાર થઇને આ પ્રોજેક્ટ આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયો છે.
કોતરપુર વોટર વર્ક્સ ખાતેની ૬૫૦ એમએલડી પ્લાન્ટની ૧૬૦૦ મિ.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઇન્સમાંથી કેન્ટોન્મેન્ટ પાસે બે ૧૬૦૦ મિ.મી. વ્યાસની બ્રાંચ લાઇન પડે છે, તેમાંથી એક બ્રાંચ લાઇન મધ્ય ઝોન તરફના દૂધેશ્વર વોટર વર્ક્સ સુધી આવે છે, જ્યારે બીજી બ્રાંચ લાઇન મોટેરા ફ્રેન્ચ વેલ ઉપર થઇ મોટેરા સ્ટેડિયમથી પશ્ચિમ વિસ્તાર તરફ જાય છે.
આ બ્રાંચ લાઇન મારફતે મધ્ય અને પશ્ચિમ ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નર્મદાનું પાણી શુદ્ધ કરીને આશરે ૩૬૦ એમએલડી પાણીનો જથ્થો પૂરો પડાય છે. મધ્ય ઝોનમાં વેસ્ટર્ન ટ્રંક મેઇન્સ આધારિત ૧૮૦ મિલિયન લિટર ક્ષમતાના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન છે, જેમાં નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનથી કુલ ક્ષમતા ૧૯૦ મિલિયન લિટર થશે.
પશ્ચિમ ઝોનમાં વેસ્ટર્ન ટ્રંક મેઇન્સ આધારિત ૨૪૮ મિલિયન લિટર ક્ષમતાના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન હયાત છે, જેમની ક્ષમતામાં વધારો કરીને ૨૯૦ મિલિયન લિટર કરાશે. આમ, મધ્ય અને પશ્ચિમ ઝોનના વેસ્ટર્ન ટ્રંક મેઇન્સ આધારિત જૂનાં અને નવા કામોને ધ્યાનમાં રાખીને ભવિષ્યની કુલ જરૂરિયાત આશરે ૪૮૦ એમએલડી થવાની હોઇ જે હયાત પાઇપલાઇન મારફતે પૂરી પાડી શકાય તેમ નથી. પાણીની ભવિષ્યની માગને પહોંચી વળવા માટે કોતરપુરથી મોટેરા સુધી નવી ટ્રક મેઇન્સ નાખવાનું આયોજન કરાયું છે.
કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી નદી પર જરૂરી બ્રિજ બનાવી બ્રિજ પરથી પાઇપલાઇન ક્રોસ કરી ભાટ પાછળના ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના બ્રાંચ રોડથી મુખ્ય રોડ સુધી આશરે એક કિલોમીટર લાંબી ૨૨૦૦ મિ.મી. વ્યાસની એમએસ પાઇપલાઇન નખાશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય રોડ પર એસપી રિંગરોડના ભાટ ટોલ પ્લાઝા સુધી આશરે ૧.૮ કિલોમીટર લાંબી ૧૬૦૦ મિ.મી. વ્યાસની એમએસ પાઇપલાઇન નખાશે.
એસ.પી. રિંગરોડ સમાંતર તપોવન સર્કલ સુધી હયાત સર્વિસ રોડમાં ડામર રોડ સુધી તથા ભાટ સર્કલ સ્ટેટ હાઇવે પાસે પુશિંગ મેથડથી ક્રસ કરવા સામે આશરે ૨.૭ કિલોમીટર લાંબી ૧૬૦૦ મિ.મી. વ્યાસની એમએસ પાઇપલાઇન નખાશે તેમજ તપોવન સર્કલથી પ્રમુખ સ્વામી મહારાજ રોડ પરના સૃષ્ટિ આર્કેડ સુધીના સર્વિસ રોડમાં આશરે ૧.૩ કિલોમીટર લાંબી ૧૬૦૦ મિ.મી. વ્યાસની એમએસ લાઇન નાખી તેને હયાત ૧૩૦૦ મિ.મી. વ્યાસની લાઇન સાથે સાંકળવામાં આવશે. તંત્ર દ્વારા રૂ.૯૮.૩૭ કરોડનો પ્રોજેક્ટ મંજુર કરાયો છે અને તે દોઢ વર્ષમાં પૂર્ણ થયા બાદ પશ્ચિમના ચાંદખેડા, મોટેરા વિસ્તારને ૧૫૦ એમએલડી પાણી પૂરુ પાડવામાં આવશે.