ચાંદલોડિયાના PSIને મહિલા દ્વારા ફોન ઉપર ધમકી
અમદાવાદ: હું તમારી ચરબી ઉતારું છું, આપ જ્યાં હોય ત્યાં હું આવું છું, તમને જોઈ લઉં છું. મહિલાએ પી એસ આઈને ફોન પર ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક ગુનામાં ચાંદલોડિયા પોલીસ ચોકીનાં સ્ટાફ દ્વારા હીરાવાડીમાં રહેતા ચિરાગ પટેલ નામનાં વ્યક્તિને લઈ આવ્યા હતા. આ ગુનામાં પૂછપરછ અને નિવેદન માટે હજાર થવા પોલીસે ચિરાગને નોટિસ મોકલીને જાણ કરી હતી. પરંતુ ચિરાગ પટેલ હજાર રહ્યો ન હતો.
જો કે આજે પોલીસ તપાસમાં તે તેના ઘરે મળી આવતા પોલીસ તેને લઈને ચાંદલોડિયા પોલીસ ચોકી આવી રહી હતી. ત્યારે તેના મોબાઇલ પર કોઈ મહિલાનો ફોન આવ્યો હતો. અને તેણે પોલીસ સાથે વાત કરવા માટે કહ્યું હતું. જો કે આ સમયે પીએસઆઈએ મહિલા સાથે વાત કરતા મહિલાએ ધમકી આપી હતી કે તમે ચિરાગને લઈ જાઓ છો, કંઈ વાંધો નહીં. હું તમારી ચરબી ઉતારું છું, આપ જ્યાં હોય ત્યાં હું આવું છું, તમને જોઈ લઉં છું. બાદમાં પોલીસ ચિરાગની પૂછપરછ અને તેના કોરોનાના ટેસ્ટ અંગે ની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ચિરાગની બહેન, અન્ય બે મહિલા ઓ અને એક પુરુષ સાથે ચોકી પર આવી હતી અને પોલીસ સાથે તોછડી ભાષામાં વાતચીત કરીને તમે ચિરાગને કેમ પકડી લાવ્યા છો. એમ કહેતા પોલીસે તેઓને સમગ્ર હકીકતથી પરિચિત કર્યા હતા.
જો કે છતાં પણ આ મહિલાઓ સાથે આવેલા ભાઈએ ચિરાગને કહેલું કે એ અમારે કઈ જોવાનું નથી, ચાલ ચિરાગ ઊભો થા, તને કોણ પકડે છે એ અમે જોઈએ છીએ. તેમ કહીને જોર જોરથી બોલી પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. એટલું જ નહિ આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરીને ખુરશી પણ તોડી નાખી હોવાનો આરોપ પોલીસે લગાવ્યો છે. જો કે આ બનાવનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગેની જાણ કરી હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.