ચાઇનાલેન્ડ ટુરના બહાને ૯ લાખની આચરેલી છેતરપીંડી
ઠગ સંચાલકે હોટલ-એર બુકિંગના ખોટા વાઉચર આપી તબીબ પરિવાર પાસેથી નવ લાખ પડાવ્યા
અમદાવાદ, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ડોકટર પરિવારને ચાઇનાલેન્ડ ટુર પેકેજની લોભામણી જાળમાં ફસાવી ટ્રાવેન્ટ ઇન્ડિયા એજન્સીના સંચાલક દ્વારા રૂ. નવ લાખ પડાવી લઇ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસમથકમાં નોંધાતા પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના થલતેજ વિસ્તારમાં સ્વપ્ન બંગલોઝ ખાતે રહેતા અને ઉસ્માનપુરામાં ભારતી આઇ કલીનીકના ડોકટર ઉર્મિલ શાહે ટ્રાવેન્ટ ઇન્ડિયાના સંચાલક શકિતસિંહ વાઘેલા વિરૂધ્ધમાં હોટલ અને એર બુકીંગના ખોટા વાઉચર આપી રૂ.નવ લાખ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના આક્ષેપ મુજબ, ગત મે-૨૦૧૮માં ઉર્મિલભાઇએ પરિવાર સાથે ફરવા જવાનું નક્કી કર્યું હતું અને તેમના મિત્ર મારફતે ટ્રાવેન્ટ ઇન્ડિયા એજન્સીના શકિતસિંહ વાઘેલાનો વિદેશની ટુર માટે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ થલતેજમાં ૫૦૪, હાર્મની આઇકોન ખાતેની ઓફિસમાં તેઓ શકિતસિંહને મળવા ગયા હતા. એ વખતે શકિતસિંહે ચાઇનાલેન્ડ ટુર પેકેજ બતાવી જણાવ્યું હતું કે, આ પેકેજમાં એર ટિકિટ, હોટલ અને ફરવા માટેની તમામ સુવિધા આપવામાં આવશે અને તેના ફાયદા બતાવ્યા હતા. જેથી ઉર્મિલભાઇએ નવેમ્બર-૨૦૧૮માં તેમના પત્ની, માતા-પિતા, સાસુ-સસરા અને સાળા તથા બાળકો સાથે ચાઇનાલેન્ડ પેકેજમાં ફરવા જવાનું નક્કી કર્યું હતું.
ઉર્મિલભાઇએ નક્કી થયા મુજબ, ટુકડે ટુકડે નવ લાખ રૂપિયાની રકમ પણ શકિતસિંહની પાસે જમા કરાવી હતી. જૂલાઇ-૨૦૧૮માં શકિતસિંહે ઉર્મિલભાઇને મેઇલ મારફતે બુકીંગના વાઉચર અને એર ટિકિટ મોકલ્યા હતા પરંતુ સપ્ટેમ્બર-૨૦૧૮માં બુકીંગના વાઉચર ચેક કરતાં માલૂમ પડયું હતું કે, વાસ્તવમાં તેમનું બુકીંગ થયું જ નથી અને જે એર ટિકિટ મોકલાઇ હતી, તે પણ બોગસ હતી. જેથી ઉર્મિલભાઇએ ટ્રાવેન્ટ ઇÂન્ડયાના શકિતસિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.