ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ પર તંત્રની બાજનજર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા છે
(પ્રતિનિધિ) અમદાવાદ: તમામ વયના લોકોમાં ખૂબ જ લોકપ્રિય એવા ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા જાવા મળી રહયા છે અને પતંગ – દોરીના બજારમાં ઘરાકી પણ નીકળી છે પરંતુ નાગરિકો માટે જીવલેણ સાબિત થતી ચાઈનીઝ બનાવટની દોરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે
તેમ છતાં કેટલાક વહેપારીઓ ગેરકાયદેસર રીતે આવી દોરીનુ ખાનગીમાં વેચાણ કરતા હોય છે જેના પગલે પોલીસતંત્ર એલર્ટ થયેલું છે અને આવા વહેપારીઓ ઉપર બાજ નજર રાખી તેઓને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઉપરાંત ચાઈનીઝ બનાવટની તુક્કલોથી આગ લાગવાની ઘટનાઓ ઘટતા તેના પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. આ જાહેરનામુ બહાર પાડયા બાદ પોલીસતંત્ર દ્વારા પતંગ દોરી વેચતા વહેપારીઓને ત્યાં ઝીણવટભરી તપાસ કરી રહયા છે.
તાજેતરમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં એક યુવકને ચાઈનીઝ બનાવટની દોરી વાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસતંત્ર વધુ એલર્ટ થયેલું છે શહેર પોલીસતંત્રએ આ અંગેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. જાકે રાજય સરકારે પણ સમગ્ર રાજયમાં ચાઈનીઝ બનાવટની દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ મુકેલો છે અને જે કોઈ વહેપારી પકડાય તેની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ ૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.