Western Times News

Gujarati News

ચાઈનીઝ બનાવટની દોરીનો મોટો જથ્થો ઝડપાયો

Files Photo

પતંગ બજારમાં પોલીસ અને એસઓજીનું સર્ચ ઓપરેશન : અમદાવાદ નજીક દહેગામ સર્કલ પાસે ચાઈનીઝ દોરી ભરેલી બોલેરો કાર તથા સરદારનગર વિસ્તારમાંથી પીકઅપ વાન સહિત પ૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચાઈનીઝ બનાવટની દોરી અને તુક્કલો વેચતા વહેપારીઓ સામે પોલીસ તંત્ર સજાગ બન્યું છે અને શહેરભરમાં વ્યાપક સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે જેના પગલે વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ શહેરમાં સંખ્યાબંધ વહેપારીઓ ગેરકાયદેસર રીતે ચાઈનીઝ બનાવટની દોરીઓ વેચતા હોવાનું તથા મોટો જથ્થો અમદાવાદમાં લાવવામાં આવી રહયો હોવાની માહિતીના આધારે અમદાવાદ પોલીસ સતર્ક બની હતી અને ઠેરઠેર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવતા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.


જેમાં એસઓજીએ અમદાવાદમાં લાવવામાં આવતા ચાઈનીઝ દોરીનો મોટા જથ્થા સાથે એક કારને ઝડપી લીધી છે. આ ઉપરાંત નરોડા તેમજ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાંથી પણ એસઓજીએ ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરતા વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે તમામ વયના લોકોમાં લોકપ્રિય એવા ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે પતંગ દોરીના બજારમાં ઘરાકી જાવા મળી રહી છે.

ઉત્તરાયણની ઉજવણીમાં મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે તેમાય ખાસ કરીને ચાઈનીઝ બનાવટની દોરીથી ગંભીર ઈજાઓ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ હતી પરિણામે રાજય સરકારે ચાઈનીઝ બનાવટની દોરી તથા ચાઈનીઝ બનાવટની તુક્કલો પર પ્રતિબંધ મુકી દીધો છે જેના પરિણામે વહેપારીઓ પણ ચાઈનીઝ બનાવટની વસ્તુઓ વેચતા ડરવા લાગ્યા છે.

ચાઈનીઝ બનાવટની દોરી ખૂબ જ મજબુત હોવાથી તે કપાતી નથી જેના પરિણામે તે વાગતા ગંભીર ઈજાઓ થાય છે આ પરિÂસ્થતિમાં શહેરમાં થોડા દિવસ પહેલા જ એક વ્યકિતને ચાઈનીઝ બનાવટની દોરી વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ બજારમાં ખરીદી કરવા માટે ઉમટી રહયા છે.

નુકસાનકર્તા ચાઈનીઝ બનાવટની દોરી અને તુક્કલ ખરીદનાર વર્ગ પણ છે જેના પરિણામે વહેપારીઓ ગેરકાયદેસર રીતે ચાઈનીઝ બનાવટની દોરીઓ લાવીને ખાનગીમાં તેનુ વેચાણ કરતા હોય છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી આ ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર વહેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે તેમ છતાં ઉતરાયણનો તહેવાર નજીક હોવાથી કેટલાક વહેપારીઓ ચાઈનીઝ બનાવટની દોરીઓ લાવીને વેચાણ કરતા હોવાનું જાણવા મળી રહયું છે જેના પગલે અમદાવાદ પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ સતર્ક બની છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચ સ્થાનિક પોલીસ તથા એસઓજીની ટીમોએ આ અંગે વોચ ગોઠવી ચાઈનીઝ દોરી વેચતા વહેપારીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેરમાં ચાઈનીઝ બનાવટની દોરીનો મોટો જથ્થો લાવવામાં આવી રહયો હોવાની વિગતો એસઓજીને મળી હતી જેના આધારે અમદાવાદમાં પ્રવેશતા તમામ માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી હતી.

આ દરમિયાનમાં અમદાવાદમાં લાવવામાં આવતો ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બોલેરો કાર દહેગામથી અમદાવાદ આવવા નીકળી હોવાની વિગત મળતા એસઓજીની ટીમે તપાસ શરૂ કરી હતી અને અમદાવાદ નજીક આવેલા દહેગામ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક બોલેરો કારને અટકાવી તલાશી લેતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.

બોલેરો કારમાં ચાઈનીઝ બનાવટની દોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બોલેરો કાર સાથે આ ચાઈનીઝ બનાવટની દોરીનો જથ્થો જપ્ત કરી ગાડીને નરોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. અસઓજીએ કુલ ૩૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એસઓજીની ટીમોએ દહેગામ રોડ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વ્યાપક સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાંથી એક પીકઅપ વાનમાં દોરીનો જથ્થો લઈ જવાતો હતો

ત્યારે જ એસઓજીની ટીમે આ વાન ને અટકાવી તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં ચાઈનીઝ બનાવટની દોરીનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત એક ટુ વ્હીલર પણ કબજે કરવામાં આવી છે.  એસઓજીએ કુલ ૩ લાખ ૪ર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ચાઈનીઝ બનાવટની દોરી સાથે એક આરોપીને ઝડપી લીધો છે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા  પણ પતંગ દોરી વેચતા વહેપારીઓને ત્યાં વ્યાપકપણે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.

ગઈકાલે પણ શહેરના દિલ્હી દરવાજા, કાલુપુર સહિતના મોટા પતંગ બજારોમાં પણ દુકાનોની તપાસ કરવામાં આવી હતી અને આજે પણ આ ઓપરેશન ચાલુ રહે તેવુ જાણવા મળી રહયુ છે. પોલીસની આ કામગીરીથી ગેરકાયદેસર રીતે ચાઈનીઝ બનાવટની દોરી અને તુક્કલો વેચતા વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.