ચાણકય પછી સરદાર પટેલે પોતાની શકિતઓ અને સુઝનો ઉપયોગ કરી દેશને એક તાંતણે જોડી રાખ્યોઃ મોદી
એક ભારત શ્રેષ્ઠ ભારત- રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી : કેવડીયા
- ‘‘વિવિધતામાં એકતા’’ જ આપણી ઓળખ – તાકાત- ગૌરવ અને ગરિમા છે
- આપણી એકતાને તોડવાનો પ્રયાસ કોઇપણ સંજોગોમાં સાખી લેવાશે નહીં
- આવા તત્વોને પડકારવા એ જ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ છે
- જમ્મુ અને કાશ્મીરના અધિકારી-કર્મચારીઓ- પોલીસ જવાનોને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ આજથી જ સાતમા પગાર પંચના લાભો અપાશે
દેશના સુરક્ષા દળોના કાર્ય કૌશલ્યની ગૌરવપૂર્ણ પ્રસ્તુતિ- ૪૮ સુરક્ષા દળો દ્વારા રજૂ કરવામાં આવી શકિતસભર રાષ્ટ્રીય એકતા પરેડ
કેવડીયા : તા.૩૧મી ઓકટોબર, ૨૦૧૯ ગુરૂવાર : દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિવિધતામાં એકતા આપણી ઓળખ – તાકાત અને પ્રભાવ છે. એટલું જ નહીં આપણું ગૌરવ – ગરિમા અને ગર્વ છે. વિવિધતામાં વિરોધાભાસ આપને ક્યારેય ઊભો નથી થવા દીધો, પરંતુ વિવિધતામાં એકતા જ આપણું સર્વસ્વ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
આજે ૩૧ ઓક્ટોબર સરદાર જયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં એક ભારત શ્રેષ્ઠ ભારત એકતા પરેડ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાઇ હતી. દેશના વિવિધ સુરક્ષા દળોએ તેમના કાર્ય કૌશલ્ય અને ક્ષમતાઓ પૂરવાર કરતું ગૌરવપૂર્ણ નિદર્શન પરેડ દ્વારા રજૂ કર્યુ હતું અને સરદાર સાહેબ અને વડાપ્રધાનશ્રીને આદરપૂર્વક સલામી આપી હતી. આ પરેડમાં NSG, CISF, BSF, CRPF, ITBP, NDRF તથા ગુજરાત, જમ્મુ એન્ડ કાશ્મીર, આસામ, ઓરિસ્સા અને કર્ણાટક પોલીસના જવાનોએ વિવિધ નિદર્શનો દ્વારા પોતાની અદ્યતન સાધન સુવિધા અને આતંકવાદને ડામવાની ક્ષમતાના દર્શન કરાવ્યાં હતાં. તેની સાથે આપદાઓ પ્રસંગે બચાવ અને રાહતની કુશળતાની પ્રતિતિ કરાવી હતી.
વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું કે જે આપણી સામે યુદ્ધ નથી જીતી શકતા તેઓ આપણી એકતાને ખંડિત કરવા અલગાવવાદી પ્રયાસો કરી રહયા છે. સદીઓથી આપણામાં રહેલી એકતાની નીવને છીન્ન ભિન્ન કરવાના તેમના પ્રયાસો સફળ નથી થયા. આવા દેશો-તત્વો એ સમજી લે કે તેમની લાખ કોશિષો કયારેય સફળ નહીં થાય. ૧૩૦ કરોડ દેશવાસીઓ એક જુટ થઇને આવા તત્વોને પડકાર આપે તે જ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાશે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
૩૭૦ અને ૩પ-એ કલમનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું કે આ કલમે કાશ્મીરને આપણાથી અલગ રાખ્યું. આ કલમ ભારત અને કાશ્મીર વચ્ચે અસ્થાયી દિવાલરૂપ હતી. એટલું જ નહિ અલગાવવાદ અને આતંકવાદને પ્રેરિત કરતી રહી. માટે સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા અમારી સરકારે અસ્થાયી દિવાલને નેસ્ત નાબૂદ કરી દીધી છે. વિવિધ ભાષા, બોલી તથા ભાવનું અનોખું બંધન સર્જાય છે. વિવિધ ખાન-પાનમાં સ્વાદની અનુભૂતિ તથા અલગ ઉત્સવમાં સામેલ થવાથી અપાર ખુશીઓની અનુભૂતિ થાય છે એ જ ભારતની વિવિધતામાં એકતાની શકિત છે.
વિવિધતાનો આનંદ લઇ ભારતીયતાનો ભાવ ચહુદિશામાં ફેલાય છે. તેની અનુભૂતિથી સદભાવ સ્નેહભાવ વધે છે. ત્યારે આ વિવિધતામાં એકતા એ એક ભારત શ્રેષ્ઠ ભારત છે.
શ્રી મોદીએ જણાવ્યું કે દક્ષિણના આદિ શંકરાચાર્ય હિમાલયમાં જઇને દેશને આદ્યાત્મિક માર્ગદર્શન આપી શકે છે. પટણાના ગુરૂગોવિંદસિંહ પંજાબ જઇને દેશની રક્ષા માટે ખાલસા પંથની સ્થાપના કરે છે. બંગાળના સ્વામિ વિવેકાનંદ દેશના દક્ષિણ કિનારે કન્યાકુમારીમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પોરબંદરના શ્રી મોહનદાસ ગાંધી ચંપારણ જઇને આઝાદીની ચળવળ ચલાવી શકે છે. તો રામેશ્ર્વરના અબ્દુલ કલામ જેવી વ્યકિત દેશના સર્વોચ્ચ પદે બેસી શકે છે. આવું આપણું સામર્થ્ય – વૈવિધ્ય છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સરદાર પટેલના આદર્શો અને સિધ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. તેમની વાણીમાં અપ્રતિમ શકિત અને વિચારોમાં પ્રેરણા હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે કોઇ શ્રધ્ધા સ્થળે જઇને જેવી અનુભૂતિ થાય તેવી જ પવિત્ર દુરંદેશી અને અનુભૂતિ આ વિરાટ પ્રતિમાની ગોદમાં થાય છે. દેશના એક-એક ગામ, વિસ્તારની જળ-જમીન, લોખંડમાંથી નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિવિધતામાં એકતાનું પ્રતિક છે.
શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ વિરાટ પ્રતિમા ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વને આકર્ષિત અને પ્રેરિત કરી રહી છે. રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રસરાવવા તથા એકતાનો ભાવ ચરિતાર્થ કરવાની સાથે સાથે એકતા આપણી સંસ્કાર સરિતા અને ભાવિ ભારતનો પાયો છે. તેને ચરિતાર્થ કરતી એકતા દોડ- રન ફોર યુનિટી દેશભરમાં યોજાય છે.
ચાણકય પછી સરદાર પટેલે પોતાની શકિતઓ અને સુઝનો ઉપયોગ કરી દેશને એક તાંતણે જોડી રાખ્યો છે. આજે વિશ્ર્વ આખું ભારતને સન્માનથી જોવે છે. એટલું જ નહીં વિશ્ર્વના આર્થિક રીતે તાકાતવર દેશોમાં ભારત પોતાનું સ્થાન જમાવી રહયો છે. તેની પાછળ દેશની એકતા-પુરૂષાર્થ અને સંકલ્પ શકિત છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યુ કે જમ્મુ કાશ્મીરના નાગરિકોને વિકાસ સાથે જોડવાનું સપનું આજે સાકાર થઇ રહયું છે. જમ્મુ કાશ્મીરના અધિકારી- કર્મચારીઓ-પોલીસ કર્મીઓને અન્ય કેન્દ્ શાસિત પ્રદેશોની જેમ સાતમા પગારપંચના લાભો આજથી મળતા થઇ જશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી. આપણો મંત્ર છે આ નવી વ્યવસ્થાએ જમીન પર રેખા ખેંચવાનો નથી પરંતુ વિશ્ર્વાસની ડોર મજબૂત કરવાનો છે અને આજથી આ કડીનો પ્રારંભ થયો છે.
જમ્મુ કાશ્મીરમાં અનેક સરકારો નેતાઓ આવ્યા અને ગયા છેલ્લા ત્રણ દાયકાઓમાં ૪૦ હજાર વધુ લોકોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા પરંતુ આપણે એમનું નામો નિશાન મીટાવવાનો મકકમ નિર્ધાર કર્યો અને આપણા સૌની એકતા ચોકકસપણે આતંકવાદનો અંત આણશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, સરદાર સાહેબ કાયમ કહેતા કે, યુનિટી એ એક એડવેન્ચર છે. ત્યારે તેના ઉદ્દેશ માટે લક્ષ અને સમાનતાથી પ્રયાસો કરવા પડશે. જૂના વર્ષોમાં નયા ભારતના ઉદય માટેના પ્રયાસો કર્યા જેના નકકર પરિણામો મળ્યા છે. આજે દેશના નાગરિકો અધિકારો સાથે ફરજો નિભાવવા માટે પણ સજાગ બન્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્વચ્છતા અભિયાન છે. આજે દેશ હિત માટે જે અભિયાનો ચલાવવામાં આવી રહયા છે એમાં સૌ દેશવાસીઓ જોડાઇ રહયા છે. આપણે પ્લાસ્ટિક મુકત ભારતના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો છે. તેમાં પણ લોકો જોડાયા છે. ૧૩૦ કરોડ દેશવાસીઓ આજે સંકલ્પ લીધા છે. તે જ દર્શાવે છે કે દેશ ચોકકસ દિશામાં આગળ વધીને વિશ્ર્વ માટે આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહયો છે.
શ્રી મોદીએ ઉમેર્યું કે એકતા માટે સૌ દેશવાસીઓ એક મંત્રથી ચાલશે તો ચોકકસ નયા ભારતનું નિર્માણ થશે. સરદાર સાહેબની આ પ્રતિમા માત્ર પ્રવાસન કેન્દ્ર નહિ પણ પ્રેરણાનું અદભૂત સ્થાન છે. સરદાર સાહેબની આત્મા જયાં હશે ત્યાં શાંતિ અનુભવશે. ભારત આજે સમગ્ર વિશ્ર્વમાં શાંતિ અને એકતાનો સંદેશો આપનારો દેશ બની રહયો છે. તો આવો આપણે સૌ એકતાના આ બીજને આપણા પ્રયાસોથી, સપનાઓથી, સંકલ્પથી વધુ સમૃધ્ધ સામર્થ્યવાન અને જનકલ્યાણથી જગકલ્યાણ સુધી આગળ વધારશું એવો મને દ્રઢ વિશ્ર્વાસ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજયના મુખ્ય સચિવશ્રી ર્ડા.જે.એન.સિંઘ, રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા, સરદાર સરોવર નિગમના ચેરમેન શ્રી કે.કૈલાસનાથન, સરદાર સરોવર નિગમના એમ.ડી.શ્રી રાજીવ ગુપ્તા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને નાગરિકો ઉપસ્થિત રહયા હતા.