ચાણક્યપુરીમાં ગ્રાહક દંપતીને માર મરાતા જોરદાર ચકચાર
દુકાનદાર પતિ અને પત્નીની દાદાગીરીને લઇ ઉંડી તપાસ
અમદાવાદ, અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં સાડી ખરીદી કરવા ગયેલા દંપતીને દુકાનદાર પતિ-પત્નીએ માર માર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને દુકાનદાર પતિ-પત્નીના ગ્રાહક સાથે આ પ્રકારના વર્તનને લઇ અન્ય ગ્રાહકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. ગ્રાહકે સાડીઓનું બિલ વધુ થતા ઓછા પૈસા આપતા બોલાચાલી અને મારામારી થઈ હતી.
જા કે, સોલા પોલીસે આખરે દુકાનદાર દંપતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ઘાટલોડિયા વિસ્તારના પ્રીત હોમ્સમાં રહેતા સંતોષ શર્મા તેમની પત્ની મોનિકાને લઈ શનિવારે સાંજે ચાણક્યપુરી ડમરુ સર્કલ નજીક આવેલી ભાવના સિલેક્શન નામની સાડીની દુકાનમાં ગયા હતા. બે સાડીઓનું ૧૩૦૦ રૂપિયા બિલ થતા સંતોષે ૧૦૦૦માં આપવા કહ્યું હતું. જે માટે દુકાનદારે પોષાતું નથી તેમ કહી ના પાડી અને ટાઈમપાસ કેમ કરો છો તેમ કહ્યું હતું. સંતોષે ભાવ નથી પોષાતો એટલે નથી લેવી કહેતા દુકાનદારે ગાળાગાળી કરી માર માર્યો હતો.
દુકાનદારની પત્નીએ પણ મોનિકા સાથે ઝપાઝપી કરી હતી. જેથી ગ્રાહક તરફથી સોલા પોલીસને જાણ કરવામાં આવી હતી. સોલા પોલીસે આ પ્રકરણમાં દુકાનદાર દંપતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જા કે, આ બનાવને પગલે ખાસ કરીને દુકાનદાર દંપતિની આવી દાદાગીરી અને મનમાનીને લઇ અન્ય ગ્રાહકો તેમ જ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. ગ્રાહક તેની મરજીનો માલિક છે, તેને વસ્તુ ખરીદવી હોય તે ખરીદે અને ના ખરીદવી હોય તો નહી પરંતુ દુકાનદાર તરફથી ગ્રાહક સાથે આ પ્રકારનું વર્તન ના થાય. ગ્રાહક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય આવી ચર્ચાઓ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ચાલી હતી.