ચાણસ્મામાં ચાઇનીઝ તુક્કલને લઈ પશુઓનો ઘાસચારો બળીને ખાખ.. તંત્ર નિષ્ફળ.
પાટણ: પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલા પાંજરાપોળ ગઈ કાલે રાત્રીના આશરે ૧૦-૦૦ વાગ્યાનાં સુમારે ઓચિંતી આગ લાગતાં ૩૫૦૦૦ હજાર જુવારના પુળા બળીને ખાખ થઇ જતાં અંદાજિત રૂપિયા પાંચ લાખ પચ્ચીસ હજાર નું નુકશાન થવા પામ્યું હતું. ખરા સમયે ચાણસ્મા નગર પાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હાલતમાં હોવાથી પાટણથી ફાયર બ્રિગેડ બોલાવી તેમજ પ્રાઇવેટ પાણીના ટેન્કર મંગાવી સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જો કે ઉત્તરાયણ નિમિત્તે સંગ્રહ કરવામાં કરવામાં આવેલ અન્ય ઘાસચારાને નાગરિકોની મદદથી ખસેડી લેતાં વધુ નુકસાન અટકાવી શકાયું હતું. જો કે આગમાં કોઈ પશુ જાનહાની થયાના સમાચાર નથી.
ચાણસ્મા પાંજરાપોળમાં ગઈ કાલે રાત્રે ઉત્તરાયણ નિમિત્તે આકાશી તુક્કલ ચડાવતાં આગની ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ અંગે પાંજરાપોળના મેનેજર રમેશભાઇ સથવારા દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ કાલે ઉત્તરાયણ નિમિત્તે લોકોએ ફાળા પેટે તેમજ પાંજરાપોળના સહયોગ થી પશુઓના નિભાવ માટે ગોડાઉનમાં આશરે ૩૫૦૦૦ હજાર જેટલા જુવારના પુળાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યાં જ આગ ભભૂકી ઉઠતાં જોત જોતામાં આ અંગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ચાણસ્મા તેમજ આજુબાજુના ગામના લોકો આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અને લોકોએ ભારે પરિશ્રમ બાદ ઘાસનો અન્ય જથ્થો ખસેડી લેતાં વધુ દુર્ઘટના ટળી હતી .સ્થાનિક નગરપાલિકાના ફાયર બ્રિગેડ ફેઈલ હોવાને કારણે ગામના સ્થાનિક ટેન્કરો દ્વારા આગ બુઝાવવાનું અભિયાન પાર પાડવામાં આવ્યું હતું. લોકોના જણાવ્યા મુજબ ઉત્તરાયણનો તહેવાર હોવાને કારણે સ્થાનિક પોલીસ અને સરકારી વહીવટી તંત્રનો આગ ઓલવવામાં સહયોગ મળ્યો નહોતો.આગમાં ઘાસ ઘાસચારો સળગી જતાં મુંગા પશુઓનો મુખમાંથી આવેલો કોળીયો છીનવાઇ જતાં પાંજરાપોળના વહીવટ કર્તાઓ માટે પશુઓને ઘાસચારો માટેનો પ્રશ્ન વધુ બંધ જટીલ બનતા સરકાર દ્વારા મદદ માટે હાથ લંબાવવાની ફરજ પડી હતી
આગના ખરા સમયે ચાણસ્મા નગર પાલિકાની બેદરકારી સામે આવી . ચાણસ્મા નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડ મોટાભાગના સમયે બંધ રહેતા ક્યારેક આગ સહિતની ઇમરજન્સી દુર્ઘટનામાં મોટી જાનહાનિ અટકાવવામાં મુશ્કેલી પડે છે. આ આગના અકસ્માતમાં પણ પણ તેનું પુનરાવર્તન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે .