ચાણસ્મા તાલુકાના મકાન વિહોણા અને ગરીબી રેખા હેઠળ જીવતા ૮૫ લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવામાં આવ્યા
લેન્ડ કમિટિની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા પ્લોટ્સનું પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ સ્થળ નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી
માહિતી બ્યુરો, પાટણ: રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા અને મકાન વિહોણા લોકોને પ્લોટ આપવાની યોજના અંતર્ગત ચાણસ્મા તાલુકાના ૮૫ જેટલા પરીવારોને મફત પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. લેન્ડ કમિટિમાં મંજૂર કરવામાં આવેલા બ્રાહ્મણવાડા અને ગોરખવા સહિતના ગામોમાં આ પ્લોટ્સનું મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ સ્થળ નિરિક્ષણ કર્યું હતું.
પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ કમિટિની બેઠકમાં મફત પ્લોટ માટે આવેલી ૧૫૫ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ જરૂરી ચકાસણી બાદ લેન્ડ કમિટિ દ્વારા વિવિધ ૧૧ ગામોમાં ૮૫ જેટલા અરજદાર પરિવારની અરજી મંજૂર કરી મફત પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. વધુમાં બાકી રહેલ અરજીઓની પૂર્તતા કરવા તથા પ્લોટ ફાળવણી માટે ખૂટતા ક્ષેત્રફળ સહિતની વહિવટી બાબતોનો સત્વરે નિકાલ કરવા સંલગ્ન અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ તથા વિકાસ કમિશ્નરશ્રીના પત્રની સુચના મુજબ પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ પરિવારોને મફત પ્લોટ આપવાની યોજના હેઠળ લેન્ડ કમિટિની બેઠકમાં બ્રાહ્મણવાડા ખાતે ૧૪, પલાસર ખાતે ૧૪, ફીંચાલ ખાતે ૧૦, મીઠા ધરવા ખાતે ૦૭, ભાટસર ખાતે ૦૬, સેઢાલ ખાતે ૦૬, દાંતકરોડી ખાતે ૦૬, ગંગેટ ખાતે ૦૫, રામગઢ ખાતે ૦૫, દાણોદરડા ખાતે ૦૪, મણીયારી ખાતે ૦૩, સોજીત્રા ખાતે ૦૩, સરસાવ ખાતે ૦૨ તથા ગોરખવા ખાતે ૦૧ પ્લોટ મળી કુલ ૮૫ મફત પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
બ્રાહ્મણવાડા, ગોરખવા, ભાટસર અને મણીયારી ગામની મુલાકાત લઈ પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ સ્થળ નિરિક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારીશ્રીએ ગામતળના ખુલ્લા પ્લોટ અને નકશા સહિતની વિગતો મેળવી, સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી. આવનારા દિવસોમાં મફત પ્લોટના લાભાર્થીઓને સનદ આપી પ્લોટનો કબજો સુપ્રત કરી દેવામાં આવશે.