ચારધામ પ્રવાસે જવાના છો, તો આ મોબાઈલ એપ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લો

ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ઉપલબ્ધ
વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in અને મોબાઈલ એપ ‘ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ’ પર દર્શનાર્થીઓ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે
ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓને મુસાફરી દરમિયાન સુવિધા મળી રહે અને સરળતાથી દર્શન કરી શકે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in અને મોબાઈલ એપ ‘ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ’ પર વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે.
જે શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન વગર ચારધામના પ્રવાસે જઇ રહ્યા છે તેમને દર્શન માટે ઘણી રાહ જોવી પડતી હોય છે. ઉપરાંત પૂરતા સાધનોના અભાવે અને અનધિકૃત સ્ત્રોતોમાંથી રજીસ્ટ્રેશન કરાવવાને કારણે કેટલાક દર્શનાર્થીઓને બિનજરૂરી અસુવિધાનો પણ સામનો કરવો પડતો હોય છે.
ચારધામ યાત્રાના દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દર્શનાર્થીઓને મુસાફરી દરમિયાન અગવડતા ન પડે તે માટે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તેમજ રજીસ્ટ્રેશન માટે હેલ્પ લાઇન ટોલ ફ્રી નંબર – ૦૧૩૫૧૩૬૪ કાર્યરત કરવામાં આવ્યો છે આથી યાત્રાળુઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને જ પ્રવાસે આવે એવી વિનંતી ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા તેમની યાદીમાં કરવામાં આવી છે. -ધવલ શાહ