ચારો ખાતા ઘેટાં-બકરાંને પોઈઝન થયું: ટપોટપ રપ ઘેટાં-બકરાંના મોત
પાલનપુર, વડગામ તાલુકાના માલોસણ ગામના ખેડૂતો પોતાના ૧૦૦ ઘેટાં-બકરા ટીંબાચુડીમાં ચરાવવા ગયા હતા ત્યાં કોઈ એવો ખોરાક ખાવાથી રપ ઘેટાં-બકરાના મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે તાત્કાલિક પશુ ડોકટરોએ ત્યાં પહોંચી પ્રાથમિક સારવાર કરતા ૭૦ કરતાં વધુ ઘેટાં-બકરા બચી ગયા હતા.
વડગામ તાલુકાના માલોસણ ગામના ખેડૂત નારણભાઈ વાલ્મિકીના ૧૩, અશોકભાઈ બાબુભાઈના ૭, મોતીભાઈ દેસાઈના ૬ એમ મળીને આશરે રપ ઘેટાં-બકરાના મોત થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ત્યારે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે,
તેઓ આશરે ૧૦૦ ઘેટાં-બકરા ચરાવવા માટે ટીંબાચુડીમાં ચરાવવા ગયા હતા ત્યાં આવેલ અણિયારનો ચારો ખાતા ઘેટાં, બકરાંને પોઈઝન થઈ ગયું હતું અને ટપોટપ મરવા લાગ્યાં હતા. ત્યારે ખેડૂતોએ વડગામ, છાપી અને મોરિયાના સરકારી પશુ ડોકટરોને બોલાવ્યા હતા અને આવેલ ડોકટરોએ તમામ ઘેટા, બકરાંને પ્રાથમિક સારવાર ચાલુ કરતા આશરે ૭૦ જેટલા ઘેટાં-બકરા બચી ગયા હતા અને મરેલ પશુઓનું ડોકટરોએ પી.એમ. કર્યું હતું જયારે રપ જેટલાના મોત થયા હતાં.