Western Times News

Gujarati News

ચાર દિકરીઓએ અર્થીને કાંધ આપી ને માંના અંતિમ સંસ્કાર કર્યા

અમદાવાદ, મજબૂત મનોબળવાળી મહિલા પોતાના સંતાનોમાં પણ એ જ ગુણનું સિંચન કરે છે. સમાજની બેડીઓ અને બંધનો તોડીને નવો ચીલો ચિતરવાની હિંમત રાખે છે. રવિવારે સવારે કંચન દાવડા નામના ૭૮ વર્ષીય વૃદ્ધાનું અવસાન થયું.

તેમની ચાર દીકરીઓએ અર્થીને કાંધ આપીને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. સામાન્ય રીતે આપણા સમાજમાં અર્થીને કાંધ આપવાનું અને સ્મશાને જઈને અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય પુરુષોના ફાળે આવે છે. પરંતુ પિતૃસત્તાક વ્યવસ્થાના આ નિયમને તોડીને આ ચાર દીકરીઓએ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી છે. કંચનબેને ચારેય દીકરીઓ હિના, સુધા, નીતા અને જલ્પાને પ્રેમથી ઉછેર્યા હતા.

ત્યારે તેમણે પણ પોતાની માતાની અંતિમ ઈચ્છા મુજબની વિદાય તેમને આપી હતી. કંચનબેનના અંતિમ સંસ્કાર ખોખરાના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. દીકરીઓએ માતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોય તેવો આ તેમના સમાજનો પહેલો કિસ્સો છે.

અમારા પિતા ગુજરાન ચલાવવા માટે ફેબ્રિકેશનનું નાનું-મોટું કામ કરતા હતા પરંતુ તેમાંથી ખાસ કમાણી નહોતી થતી. અમારા મમ્મીએ જ પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો હતો.

તેમણે અમને મજબૂત બનાવ્યા અને લગ્ન કરાવ્યા હતા. ૨૦૦૯માં અમારા પિતાનું અવસાન થયા બાદ મારી મમ્મીને પણ ઉંમરના કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થવા લાગી હતી. મારા મમ્મીની છેલ્લી ઈચ્છા હતી કે, અમે તેની અર્થીને કાંધ આપીને સ્મશાને જઈએ.

એવામાં અમે તેની છેલ્લી ઈચ્છાને માન ના આપીએ તે કઈ રીતે શક્ય છે?”, તેમ કંચનબેનના સૌથી મોટા દીકરી હિના પંચાલે (૫૭ વર્ષ) જણાવ્યું. અમરાઈવાડીના સામાજિક કાર્યકર હર્ષદ પટેલે કહ્યું કે, છેલ્લા ચાર દિવસથી કંચનબેન મોટી દીકરી હિનાના ઘરે હતા.

તેમની તબિયત સારી ના હોવાથી મેડિકલ ચેક-અપ ચાલી રહ્યા હતા. “કંચનબેનની બે દીકરીઓ અમદાવાદમાં રહે છે જ્યારે બીજી બે દીકરીઓ સુરેન્દ્રનગર અને રાજકોટમાં રહે છે. સૌથી મોટી દીકરીની ઉંમર ૫૭ વર્ષ છે અને સૌથી નાની દીકરીની ૪૩ વર્ષ છે.

કંચનબેનની ઈચ્છા પરિવારે પૂરી કરી તે ખરેખર આશાવર્ધક છે. સાથે જ તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય દીકરીઓને પણ અંતિમ ક્રિયા કરવા માટે પ્રેરણા આપી છે, તેમ તેમણે ઉમેર્યું. કંચનબેનના જમાઈ દીપક પંચાલે જણાવ્યું કે, સાસુનું અવસાન હૃદયરોગના હુમલાને કારણે થયું છે. ગુજરાતી પંચાગ પ્રમાણે તેણીના મમ્મી પણ આ જ તિથિએ ગુજરી ગયા હતા. તેઓ ખૂબ પ્રેમાળ હતા.

પોતાના છેલ્લા દિવસોમાં મારા સાસુ પરિવાર સાથે રહેવા માગતા હતા. મને ખાતરી છે કે, તેમના સંતાનોએ જે કાળજી લીધી છે તેનાથી તેમની આત્માને શાંતિ અને સંતુષ્ટિ મળી હશે, તેમ વધુમાં જણાવ્યું. હર્ષદ પટેલનું કહેવું છે કે, દીકરીઓ હોવા છતાં પણ પુત્રની ઝંખના રાખતા માતાપિતા માટે આ કિસ્સો ઉત્તમ દ્રષ્ટાંત છે.

તેમણે આગળ કહ્યું, આજે પણ મહિલાઓ માટે સ્મશાનમાં જવું વર્જિત રાખવામાં આવ્યું છે. આ સ્થિતિ બદલાવી જાેઈએ. છોકરીઓ અને છોકરાઓ સમાન છે. હવે સમય પાકી ગયો છે કે આપણે પિતૃસત્તાની બેડીઓને તોડીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.