ચાર હજાર કિલો સોનાની દાણચોરી : ફાઈનાન્સરો જેલમાં
અમદાવાદ : સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી પાંચ વર્ષમાં રૂ.૧,૩૦૦ કરોડનું ૪ હજાર કિલો સોનું ઘુસાડવાના મામલે બે ફાઈનાન્સરની કસ્ટમના અધિકારીએ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. કસ્ટમ વિભાગે કર્ણાવતી કલબની સામે આવેલ અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયંતિભાઈ રોકડ અને મેહુલ રસીકભાઈ ભીમાણીએ અખંડ જયોત જવેલર્સના માલિક રૂતુગા ત્રિવેદીને દાણચોરીનું સોનું લાવવા માટે ફાઈનાન્સ કરતા હતા.
જા કે, બન્ને આરોપીએ એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ આર.બી. મારફતિયાએ સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલિયાએ કસ્ટમના અધિકારીઓ સમક્ષ આપેલા નિવેદનમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, પાછલા પાંચ વર્ષમાં તેણે રૂ.૧,૩૦૦ કરોડની કિંમતનું ૪,૦૦૦ કિલો જેટલું સોનું બિનધાસ્ત દાણચોરીથી ધુસાડ્યું હતું.
ત્રીજી જૂને ઈન્ટરનેશનલ ફલાઈટમાંથી ઉતરેલા લોકેશ શર્મા નામના પ્રવાસીની બેગ એરપોર્ટ બહાર બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલિયા લઈ જતા કસ્ટમ્સના અધિકારીએ પકડી પાડી હતી. જેમાં કસ્ટમના અધિકારીઓએ જિજ્ઞેક સાવલિયા, લોકેશ શર્મા અને અખંડ જયોત જવેલર્સની દુકાનમાં કામ કરતા વિનેશ ઉર્ફે વિજય રાવલને ઝડપી લીધા હતા. જેઓની પુછપરછમાં ગોલ્ડની દાણચોરીનું મસ્ત મોટું રેકેટ હોવાનો ખુલાસો થયો હતો.
વર્ષ ર૦૧૪થી ર૦૧૮ સુધી ૪ હજાર કિલો સોનું જેની અંદાજે કિંમત રૂ.૧,૩૦૦ કરોડનું અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આસાનીથી બહાર કાઢી આપ્યું હતું. જેના બદલામાં જિજ્ઞેશને બે કરોડ રૂપિયા અખંડ જયોત જવેલર્સના માલિક રૂતુગા ત્રિવેદીએ આપ્યા હતા. માણેકચોકમાં અખંડ જયોત જવેલર્સ દુકાનમાં માલિક રૂતુગા ત્રિવેદીની પત્ની હિના દુબઈથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતી હતી. આ સોનાનો જથ્થો અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગ તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ સાવલિયાને આપવામાં આવતો હતો.
જેના બદલામાં રૂ.૧.૩૦ લાખ રૂતુગા ત્રિવેદી આપતો હતો. કસ્ટમની તપાસમાં ખુલ્યુ હતું કે, અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયંતીભાઈ રોકડ અને મેહુલ રસીકભાઈ ભીમાણીએ સોનું લાવવા માટે અત્યાર સુધી ૧૦પ કરોડ રૂપિયા તબક્કવાર ફાઈનાન્સ કર્યુ હતું જેના આધારે કસ્ટમે મેહુલ ભીમાણી અને હિતેન્દ્ર રોકડને તપાસ માટે લાવ્યા હતા જયા બંને જણાએ કસ્ટમના અધિકારી સામે કબુલાત કરી હતી કે રૂતુગા ત્રિવેદીને મુંબઈથી સોનું લાવવા માટે ફાઈનાન્સ કરતા હતા. જેના પેટે અમુક નફો રૂતુગા પાસે મેળવી લેતા હતા. બાદમાં કસ્ટમે બંને આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે.