ચાલક નીચે ઉતાર્યો અને કારમાંથી ૧.પ૦ લાખ ભરેલી બેગ ચોરી
ચોરી થયેલી બેગ નહેર પાસેથી મળી આવી પણ રૂપિયા ગાયબ ઃ બી ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ
અંકલેશ્વર, અંકલેશ્વર ગાડીમાંથી નીકળતા ધૂમાડા જોવા કારચાલક નીચે ઉતર્યો અને કારમાંથી ૧.પ૦ લાખ ભરેલી બેગની ચોરી થઈ જવા પામી હતી. ભાદી ગામના રહીશ રેલવે સટેશન પાસે મોબાઈલ શોપ બંધ કરી પરત ઘરે જતી વેળા ઘટના બનીહતી. ચોરી થયેલ બેગ શુભમ માર્ટ સામે નહેર પાસેથી મળ્યું પણ રૂપયા ગાયબ હતા. બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે રહેતા મોહમ્મદ ઈસ્માઈલ અદાત અંકલેશ્વર રેલવે સ્ટેશન બાજુમાં આવેલ અંજલિ કોમ્પલેક્ષમાં મોબાઈલ શોપ ધરાવે છે. ગત રોજ પોતાના નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી પોતાની કાર લઈ ઘરે જવા નીકળ્યા હતા.
તે દરમિયાન જૂના નેશનલ હાઈવે નં.૮ પર આવેલ લોર્ડ પ્લાઝા હોટલ પાસે એક બાઈક ચાલકે કારમાંથી ધૂમાડા નીકળતા હોવાનું જણાવતા તેઓ ગાડી સાઈડ પર ઊભી રાખી બોનેટ ખોલી ધુમડા ક્યાંથી નીકળી રહ્યા છે તે જોઈ રહ્યા હતા તે દરમિયાન કારની સીટ પાસે મૂકેલ ૧.પ૦ લાખ રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ કોઈ ઈસમ ચોરી પલાયન થઈ ગયો હતો.
તેઓ ધૂમાડા અંગે તપાસ કરી પરત કારમાં બેસવા જતાં પોતાની બેગ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમથકે જાણ કરી તેઓ બેગની શોધખોળ શરૂ કરતાં બેગ ગડખોલ પાટિયા પર આવેલા શુભમ માર્ટ સામે નહેરની બાજુમાંથી આવી હતી.
બેગમાં તમામ ડોક્યુમેન્ટ સલામત રીતે મળી આવ્યા હતા પણ અંદરથી રોકડ રૂપિયા ૧.પ૦ લાખ ચોરી થઈ જવા પામ્યા હતા. જે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૭ર કલાકમાં ચીલ ઝડપનો બીજો બનાવ છે અને બન્ને બનાવમાં ચોરી થયેલ સામાન મળી આવ્યો હતો. અગાઉ અમદાવાદના ધારાશાસ્ત્રીનું લેપટોપ ભરેલી બેગ ચોરી થયું હતું. જે રિક્ષા ચાલકે પરત કર્યું હતું. તો ગતરોજ પણ બેગ ચોરી થયું હતું પણ અંદર રહેલી રોકડ ગાયબ હતી ત્યારે એક જ ગેંગ સક્રિય હોવાની આશંકાને નકારી શકાય નહીં.