ચાલતા જતી વિદ્યાર્થિનીનો આઇફોન ઝૂંટવી રિક્ષાચાલક ગેંગ ફરાર
અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે બાઇકચાલક તેમજ રિક્ષાચાલક અને તેના સાગરીતો રાહદારીઓના મોબાઇલ-પર્સ અથવા તો ચેઇન સ્નેચિંગ કરીને જતા રહેતા હોવાની ઘટનાઓ વધી રહી છે. ગઇકાલે પ્રીતમનગર વિસ્તારમાં વિદ્યાર્થિની ચાલતા ચાલતા જતી હતી
તે દરમિયાનમાં રિક્ષાચાલક અને તેમાં બેઠેલ ગઠિયો વિદ્યાર્થિનીનો આઇફોન એક્સ સ્નેચિંગ કરીને ફરાર થઇ ગયા હતા. શાહીબાગના વાસ્તુ ફ્લેટમાં રહેતી અને બીબીએમ સુધીનો અભ્યાસ કરતી રિતિકા શરાફે રિક્ષાચાલક અને તેના સાગરીત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રિતિકા ગઇકાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ પ્રીતમનગર જૈન દેરાસરમાં દર્શન કરવા માટે ગઇ હતી. ત્યારબાદ સાંજ સુધી ત્યાં રોકાઇ ગઇ હતી. સાંજે રિતિકા જૈન દેરાસરથી તેના ઘરે જવા નીકળી હતી. ત્યારે ચાલતા ચાલતા તે મોબાઇલ ફોનથી કોઇક સાથે વાત કરી હતી.
આ દરમિયાન પાછળથી આવેલી એક રિક્ષા રિતિકા પાસે આવી હતી. જેમાં રિક્ષાની પાછળની સીટ પર બેઠેલ ગઠિયાએ રિતિકાના હાથમાંથી આઇફોન એક્સ મોબાઇલ ખેંચીને રિક્ષા સહિત ફરાર થઇ ગયા હતા. રિતિકા તાત્કાલિક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઇ હતી અને મોબાઇલ સ્નેચિંગની ફરિયાદ કરતા રિક્ષાચાલક અને ગઠિયા વિરૂદ્ધમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.