ચાલુ મહિને ગુજરાતમાં એક્ટિવ કેસોમાં ૮૧%નો વધારો થયો
ગુજરાતમાં હોમ ક્વોરેન્ટાઈનની સંખ્યા ૩.૫ લાખ પર પહોંચી
અમદાવાદ: શુક્રવાર સાંજ સુધીના જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના ૧૨,૫૧૮ એક્ટિવ કેસ છે, જે અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોના ૨૩.૩% છે. જ્યારે મૃત્યુઆંક અને ડિસ્ચાર્જ દર્દીઓનો હિસ્સો ક્રમશઃ ૪.૩ અને ૭૨.૪ ટકા છે. આ કેસોના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં ચાલુ મહિને પાછલા ૨૪ દિવસમાં ૫,૫૯૦ સક્રિય કેસ ઉમેરાયા છે. જે દર્શાવે છે કે, ૩૦ જૂનના ૬,૯૨૮ એક્ટિવ કેસમાંથી ૮૧%નો વધારો નોંધાવ્યો છે.
નવા કેસોમાં સુરતના ૩૦૯, અમદાવાદના ૧૭૬, વડોદરાના ૯૨ અને રાજકોટના ૫૯ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરામાં હવે જિલ્લામાં ૩,૯૯૪ કેસ છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે ૧૮૭ની તુલનામાં શુક્રવારે ૧૬૧ના કેસો નોંધાયા છે. જે મુજબ શહેરમાં એક દિવસમાં કેસોમાં ઘટાડો થયો છે. જ્યારે સુરતમાં ૨૧૬ કેસ સાથે એક દિવસમાં સૌથી કેસ નોંધાતા શહેરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જાેકે, ગુરુવારે સુરત શહેરમાં ૧૮૧ કેસ નોંધાયા હતા.
શુક્રવારે સાંજ સુધી સુરત અને સુરત કોર્પોરેશનમાં ૬-૬, અમદાવાદ કોર્પોરેશન અને કચ્છમાં ૩-૩, ગાંધીનગરમાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૩, જામનગર અને મહેસાણામાં ૧-૧ તેમજ રાજકોટ અને તાપીમાં પણ ૧-૧ એમ કુલ ૨૬ મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૨૨૮૩ થયો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં હવે અનુક્રમે ૧,૫૬૮ અને ૩૩૫ અને ૬૫ કુલ મૃત્યુઆંક છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૮૭૨ દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સુરતના ૨૨૭, અમદાવાદના ૨૦૪, રાજકોટના ૧૩૮ અને વડોદરાના ૪૮ દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૩૮૮૩૦ પર પહોંચી ગઈ છે.
રાજ્યના આરોગ્ય વિભાગે શુક્રવારે દાવો કર્યો છે કે તેઓએ કોવિડ પરીક્ષણમાં વધારો કર્યો છે અને હાલમાં દરરોજ મિલિયન વસ્તીમાં ૨૨૪ ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૪,૫૯૫ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા છે, આ સાથે રાજ્યમાં કુલ પરીક્ષણની સંખ્યા ૬.૦૬ લાખ પર પહોંચી છે. શુક્રવારે સાંજ સુધીમાં ગુજરાતમાં હોમ ક્વોરેન્ટાઈનની સંખ્યા ૩.૫ લાખ પર પહોંચી છે.