ચાલુ વર્ષે દેશનો ગ્રોથ રેટ પાંચ ટકા રહેશે, નાણા મંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે
નવી દિલ્હી, કેન્દ્રીય બજેટ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં આગાહી કરવામાં આવી છે કે, દેશના ગ્રોથ રેટમાં જેટલો ઘટાડો થવાનો હતો તે થઈ ચુક્યો છે અને આગામી વર્ષે ગ્રોથ રેટ વધીને 6 થી 6.5 ટકાની વચ્ચે રહેશે. જ્યારે આ વર્ષે આર્થિક વિકાસ દર એટલે કે ગ્રોથ રેટ પાંચ ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરાયુ હતુ.નાણા મંત્રી નિર્મલા સિતારમને રજૂ કરેલા સર્વેમાં કહેવાયુ છે કે, વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ દર નબળો હોવાથી અને ઘરઆંગણે ફાઈનાન્સ સેક્ટરની સમસ્યાઓના કારણે રોકાણ પર અસર પડી છે અને તેની અસર ઈકોનોમી પર જોવા મળી છે.
સર્વેમાં કહેવાય છે કે, આ વર્ષે ગ્રોથ રેટ ઓછામાં ઓછો પાંચ ટકા રહેશે.સંપત્તિનુ વિતરણ કરતા પહેલા તેનુ સર્જન કરવુ જરુરી છે અને આ માટે સંપત્તિનુ સર્જન કરનારાને સન્માન આપવુ પડશે. સર્વે પ્રમાણે ડુંગળી જેવી વસ્તુઓની કિંમતો પર સરકારની દખલના કારણે નિયંત્રણ રાખી શકાયુ છે.આર્થિક વૃધ્ધિ માટે ભારતમાં દુનિયાની વિવિધ પ્રોડક્ટસનુ એસેમ્બલિંગ થાય તેવો વિચાર પણ સર્વેમાં રજૂ કરીને કહેવાયુ છે કે, તેનાથી રોજગારીનુ સર્જન થશે.
સર્વે પ્રમાણે બિઝનેસને સરળ બનાવવા માટે દેશના તમામ બંદરો પરની અમલદાર શાહી દુર કરવાની, બિઝનેસ શરુ કરવાનુ કામ આસાન બનાવવાનુ, ટેક્સ પેમેન્ટ આસાન બનાવવાનુ જરુરી છે.