Western Times News

Gujarati News

ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના એક હજાર કેસઃ પાંચના મૃત્યુ

મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો-ડેન્ગ્યુએ ત્રણ બાળકોનો ભોગ લીધો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત મચ્છર અને પાણીજન્ય રોગચાળાના સકંજામાં આવી ગયા છે. મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાના કારણે ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ઝેરી મેલેરિયા, કમળો તથા ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. વરસાદી સીઝનમાં ગંદકી અને પાણી નિકાસની કામગીરીમાં થયેલ વિલંબના પરીણામે મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો છે. મ્યુનિ.કોર્પોરેશને મચ્છરોની ઉત્પન્ન રોકવા માટે દૈનિક રૂ.દસ લાખનો ખર્ચ કરે છે.

તેમ છતાં નકકર પરીણામ મળ્યા નથી. શહેરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના એક હજાર કરતા વધુ કેસ નોધાયા છે. જેને અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહયું છે. સપ્ટેમ્બર મહીનામાં જ ડેન્ગ્યુના ૪પ૦ કરતા વધારે કેસ બહાર આવ્યા છે. શહેરના વટવા, લાંભા, દાણીલીમડા, રખિયાલ, નિકોલ, કુબેરનગર, ગોતા સહીતના વિસ્તારોમાં ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ર૦૧૯ના વર્ષમાં મચ્છરજન્ય રોગચાળાએ સાત નાગરીકોના જીવ લીધા છે. જે પૈકી મનપાના ચોપડે પાંચ કેસ કન્ફર્મ થયા છે.

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચીકનગુનીયાનો રોગચાળો વકરી રહયો છે. છેલ્લા દોઢ મહીનામાં જ ડેન્ગ્યુના ૮૦૦ વર્ષ જેટલા કેસ નોધાયા છે. જેના કારણે નિદ્રાધીનતંત્ર દોડતું થઈ ગયું છે.

શહેરમાં ર૦૧૮ના વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના ૩૧૦૦ જેટલા કેસ નોધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે ડેન્ગ્યુના એક હજાર કેસ કન્ફર્મ થયા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ર૦૧૮માં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ સપ્ટેમ્બર અને ઓકટોબર મહીનામાં નોધાયા હતા. ગત વર્ષે ઓકટોબર મહીનામાં ડેન્ગ્યુના ૧રપ૦ કેસ નોધાયા હતા. જયારે ર૦૧૮ના ઓગષ્ટ મહીનામાં ડેન્ગ્યુના ૩૦૯ કેસની સામે ઓગષ્ટ-ર૦૧૯ માં ૩પ૧ કેસ નોધાયા હતા.

ગત વર્ષે સપ્ટેમ્બર મહીનામાં ડેન્ગ્યુના ૮૯૯ કેસ કન્ફર્મ થયા હતા. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહીનામાં પ્રથમ ર૦ દિવસમાં ૪પ૦ કેસ કન્ફર્મ થયા છે. શહેરમાં ડેન્ગ્યુના દૈનિક ૩૦થી ૪૦ કેસ બહાર આવી રહયા છે. સપ્ટેમ્બર મહીનાના પ્રથમ સપ્તાહમાં(સાત તારીખ સુધી) ડેન્ગ્યુના ૧૦૪ કેસ કન્ફર્મ થયા હતા.

બીજા સપ્તાહના અંતે ડેન્ગ્યુના કેસની સંખ્યા ર૯૩ થઈ હતી. મતલબ કે માત્ર સાત દિવસમાં જ ડેન્ગ્યુના નવા ૧૮૯ કેસ નોધાયા હતા. ર૦ સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના કેસનો આંકડો ૪૧૦ નો પાર કરી ગયો હતો તથા ત્રીજા સપ્તાહના અંતે ડેન્ગ્યુના ૪પ૦ કેસ નોધાયા છે. આ આંકડા અત્યંત ચિંતાજનક છે. મચ્છરોની ઉત્પન્ન તથા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા ખર્ચ અને પ્રયાસ થઈ રહયા છે.

પરંતુ તંત્રની તમામ કાર્યવાહી અપૂરતી સાબિત થઈ રહી છે. મ્યુનિ મેલેરિયા વિભાગે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં તથા શાસકોએ ફોગીગ અને આઈ.આર.સ્પ્રેના ટેન્ડર મંજૂર કરવામાં અસહ્ય વિલંબ કર્યો છે. જેના માઠા પરિણામ નાગરીકો ભોગવી રહયા છે.
શહેરમાં ડેન્ગ્યુની સાથે સાથે મેલેરિયા અને ઝેરી મેલેરિયાનો રોગચાળો પણ વકરી રહયો છે.

ચાલુ વર્ષ દરમ્યાન સાદા મેલેરિયાના ૩ર૧૦ તથા ઝેરી મેલેરિયાના ૧૦૦ કરતા પણ વધુ કેસ નોધાયા છે. ગત વર્ષની સરખામણીમાં ઝેરી મેલેરિયાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ સાદા મેલેરિયાના કેસમાં ધરખમ વધારો થયો છે.

સુત્રોનું માનીએ તો ગત સપ્તાહે વોલીયન્ટર્સ દ્વારા કરવામાં આવેલી એકટીવીટી દરમ્યાન મેલેરિયાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યો હતો. જેની સંખ્યા ૪૦ હજાર કરતા પણ વધારે છે. સેમ્પલ સંખ્યાના માત્ર પાંચ ટકા પોઝીટીવ રીપોર્ટ આવે તો પણ મેલેરિયાના દર્દીઓની સંખ્યા બે હજારને પાર કરી જાય તેમ છે. ઉચ્ચકક્ષાએથી મળેલ આદેશના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાના સાચા આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

તેવી જ રીતે મચ્છરજન્ય રોગચાળાના કારણે થયેલ મૃત્યુની વિગતો પણ છુપાવવામાં આવી રહી છે. ર૦૧૯ની સાલમાં મચ્છરજન્ય રોગચાળાના કારણે સાત દર્દીના મૃત્યુ થયા છે. જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાંચ મૃત્યુ કન્ફર્મ કરવામાં આવ્યા છે. જેમાં ડેન્ગ્યુના ત્રણ મેલેરિયા તથા ઝેરી મેલેરિયાના એક-એક મૃત્યુ થયા છે. ચિંતાજનક બાબત એ છે કે ડેન્ગયુના જે ત્રણ મૃત્યુ થયા છે તે તમામ કુમળી વયના છે.

જેમની ઉંમર ૧૧ વર્ષ, ૧પ વર્ષ અને દોઢ વર્ષ છે. ઝેરી મેલેરિયાએ વૃધ્ધાનો ભોગ લીધો છે. જયારે સાદા મેલેરિયાના કારણે ૩પ વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. મૃતક યુવાન વટવા નો રહીશ હતો તથા એલ.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

મ્યુનિ.કમીશ્નરે દૈનિક રૂ.પ૦૦ ના દરથી એક હજાર વોલીયન્ટર્સ ની ભરતી કરી છે.પરંતુ કોઈપણ પ્રકારની તાલીમ વિના જ તેમને ફીલ્ડમાં મોકલવામાં આવ્યા હોવાથી કામગીરીના સ્તરમાં સુધારો જાવા મળ્યો નથી. મેલેરિયા વોલીયન્ટર્સ દ્વારા ડોર ટુ ડોરની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ દસ દિવસમાં જ ડેન્ગ્યુના ૩૦૦ કરતા વધુ કેસ નોધાયા છે. મચ્છરજન્ય રોગચાળાના વધી રહેલ કહેર માટે શાસકપક્ષ પણ જવાબદાર છે.

મચ્છરનિયંત્રણ માટે જે કામ ચોમાસા પહેલા મંજૂર કરવાના થતા હતા તેવા કામો સીઝન પૂર્ણ થવા આવી ત્યારે મંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે પણ રોગચાળો વધી રહયો હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.