ચિંતા ન કરો આવતીકાલનો સૂરજ નવી જ રોશની લઈને આવશે

વર્તમાન સમયમાં પોઝીટીવ એપ્રોચ જ અમૂલ્ય ઔષધિ છે
લુણાવાડા :: કોરોના મહામારી તો ઠીક આજે આપણે માનવ મનને હારતા જોઇ રહ્યા છે. વાઇરસ મારે કે ના મારે પણ ખોટા અજંપાથી માણસને મરતા જોયો છે. કોરોના મહામારીને તો આપણે ચોક્કસ ભગાડીશું પણ અત્યારે જરૂર છે આપણા માનસ પર તાંડવ કરતી આ નબળાઈ અને ચિંતા પર વિજય મેળવવાની. ખોટી ચિંતા કે ખોટા ભયથી કંઈ નથી થવાનું.
પણ, જો હિંમતથી અને હસતા મુખે આ સમયનો સામનો કરીશું અને જરૂરી સારસંભાળ અને દરકાર રાખીશું તો ખરેખર આવતીકાલનો સૂરજ નવી જ સવાર નવી જ રોશની અને નવી જ ઊર્જા લઈને આવશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
વર્તમાન સમયમાં પોઝિટિવ એપ્રોચ જ મહત્વની ઔષધિ છે. નકારાત્મક વિચારધારામાંથી બહાર આવીએ અને સચેત તેમજ સાવચેત બનીએ તમામ ગાઈડલાઈનનું પાલન કરીએ. બિનજરૂરી બહાર જવાનું ટાળીએ તેમજ ખોટી અફવાઓથી પર રહીએ. શરીરને તંદુરસ્ત રાખીએ તો કદાચ કોરોના થઈ જશે તો પણ ઝડપથી સાજા થઈ જવાશે તેવું આપણું મનોબળ મક્કમ રાખવાની. સાથોસાથ આપણે આપણા બાળકો અને પરિવારનું ધ્યાન રાખીએ તેમજ ચુસ્ત, મસ્ત અને સ્વસ્થ રહીને સકારાત્મક વિચારધારાને મનમાં સ્થાન આપીએ.