ચિંરજીવીની પત્ની મેઘનાએ દીકરાને જન્મ આપ્યો
મુંબઈ: ચાર મહિના પહેલા કન્નડ એક્ટર ચિરંજીવી સરજાનું નિધન થયું હતું. તેના અવસાન વખતે પત્ની મેઘના રાજ ગર્ભવતી હતી. ચાર મહિના પહેલા મેઘનાના માથે આભ તૂટી પડ્યું હતું. પરંતુ આજે મેઘના અને આખા સરજા પરિવાર માટે ખુશીનો દિવસ છે. ગુરુવારે મેઘના અને ચિરંજીવીના દીકરાનો જન્મ થયો છે.
ચિરંજીવીના ભાઈ અને એક્ટર ધ્રુવ સરજાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. ધ્રુવ ઉપરાંત તેની પત્નીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુડ ન્યૂઝ શેર કર્યા છે.
ધ્રુવ સરજાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, બેબી બોય. જય હનુમાન. તો ધ્રુવ સરજાની પત્ની પ્રેરણાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, મેઘના ચિરુના દીકરાનો જન્મ થયો છે. તમારા સૌની પ્રાર્થનાઓ અને સહકાર માટે આભાર. તો બીજી તરફ ચિરંજીવીના પિતરાઈ ભાઈ સૂરજ સરજાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે.
તેણે લખ્યું, અઢળક પ્રેમ સાથે ચિરુને પરિવારમાં આવકારીએ છીએ. તમારા સૌના પ્રેમ અને પ્રાર્થનાઓ માટે આભાર. દીકરાનો જન્મ થયો છે. ચિરંજીવી અને મેઘનાએ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. જો કે, ચિરંજીવી પોતાના બાળકની પહેલી ઝલક જોઈ શકે તે પહેલા જ તેનું અવસાન થયું.
હૃદયરોગનો હુમલો આવતાં બેંગાલુરુની એક હોસ્પિટલમાં ૩૬ વર્ષની ઉંમરે ચિરંજીવીનું અવસાન થયું હતું. ચિરંજીવી અને મેઘનના બાળકની પ્રથમ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિવિધ ફેનક્લબ્સ પર જૂનિયર ચિરંજીવીની તસવીર શેર કરવામાં આવી છે. એક તસવીરમાં જોઈ શકાય છે કે, નાનકડો દીકરો કાકા ધ્રુવ સરજાના હાથમાં છે.
તો અન્ય એક તસવીરમાં જોઈ શકાય છે કે પિતા ચિરંજીવની મોટી ફોટોફ્રેમ પાસે નાનકડા બાળકને લઈ જવામાં આવ્યો છે. ચોક્કસ છે કે, સરજા પરિવાર માટે આ ખૂબ ખુશીની ક્ષણ છે કારણકે દીકરાના રૂપે તેમને ચિરંજીવી પાછો મળી ગયો છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ સરજા પરિવારે ધામધૂમથી મેઘનાનું બેબી શાવર યોજ્યું હતું. ચિરંજીવીની ઈચ્છા હતી તે પ્રકારે જ તેમણે સીમંતનું આયોજન કર્યું હતું. સીમંતમાં ચિરંજીવીના કટઆઉટ મૂકવામાં આવ્યા હતા.