ચિત્રકલા દ્વારા કોરોના અંગે “સાવચેતી એ જ સલામતી”નો જનજાગૃતિ સંદેશ આપ્યો
લુણાવાડા: મહીસાગર જિલ્લાના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારશ્રી બિપિન પટેલ છેલ્લા સાડાત્રણ વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે. તેમની આ સિધ્ધિના કારણે તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે દરરોજ એક ચિત્ર તૈયાર કરવાની તેમની નેમથી તેમણે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા લૂણેશ્વર પોલીસ ચોકી પાસે તેઓનું સળંગ ૧૪૦૦મું વોટર કલર પેઇન્ટિંગ બનાવ્યું તે ગૌરવપૂર્ણ સિધ્ધિ છે. ચિત્રકારશ્રી પટેલે અવિરત ૧૪૦૦મું પેઇન્ટિંગ બનાવતા કોરોના વાઇરસ અંગે જનજાગૃતિ સંદેશ “સાવચેતી એ જ સલામતી”ને પોતાના આ ચિત્રમાં વણી લીધો છે.
તેમના આ પેઇન્ટિંગની જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડે પ્રસંશા કરતાં કહ્યું કે, જિલ્લાના આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારે પોતાની કલાસાધનાથી અનેક સિધ્ધિઓ મેળવી છે. કોરોના વાઇરસ અંગે જનજાગૃતિનો સંદેશ તેમની ઉમદા કલાદ્રષ્ટિની પ્રતિતી કરાવે છે.
શ્રી બીપીન પટેલે જણાવ્યું છે કે, વિશ્વ કોરોના વાઇરસ મહામારીનો પડકાર ઝીલી રહ્યું છે ત્યારે પોતાનું આ સતત ૧૪૦૦મું માઈલ સ્ટોન સમું આ પેઇન્ટિંગ મહીસાગર જિલ્લા કલેકટરને શુભેચ્છા સ્વરૂપે આપતાં જિલ્લા સેવાસદન કચેરીમાં સાવચેતી એ જ સલામતી કોરોના વાઇરસ જાગૃતિનો સંદેશ આપતું યાદગાર ચિત્ર બની રહેશે.
આ પહેલા તેમનો એક અનોખો કીર્તિમાન છે તેઓના ૧૦૦૦ દિવસ પૂર્ણ થયા ત્યારે ઇન્ડીયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા માં સળંગ ચાર એવોર્ડ મેળવેલ છે .
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીશ્રીની ઓફિસમાં શોભા વધારી છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ ૨૦૧૭ ભારતભરથી આવેલ ચિત્રકારો વચ્ચે બિપિનભાઇને વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો.
આર્ટિસ્ટ બિપિન પટેલ એ તેમની કલાયાત્રા માં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે .મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામમાંથી આવતા બિપિનભાઇ પટેલે વોટર કલરથી ગ્રામ્યજીવન, ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે. અત્યાર સુધીમાં તેમના દેશભરમાં વોટર કલર આર્ટ કેમ્પ યોજાયા છે. ગુજરાત સહીત ઉદયપુર, જયપુર, ઇન્દોર, આગ્રા, કોલકાત્તા, બેંગ્લોર, મુંબઈ, ઉત્તરાંચલમાં વર્કશોપ દરમિયાન અનેક કળાજીજ્ઞાસુઓએ વર્કશોપમાં વોટર કલર પેઇન્ટિંગની પ્રાથમિક જાણકારી સહીત અન્ય ટેકનીક શિખીને સંતોષ મેળવ્યો છે.