ચિત્રાના સહયોગી આનંદ સુબ્રમણ્યમની ધરપકડ
નવી દિલ્હી, સીબીઆઈએ થોડા વર્ષો પૂર્વે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં થયેલી ગરબડ મામલે આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈના અધિકારીઓએ શુક્રવારે સવારે આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં અનેક પ્રકારની ગોલમાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સીબીઆઈએ આનંદની ચેન્નાઈ ખાતેથી ધરપકડ કરી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે આ ધરપકડ એનએસઈ કો-લોકેશન સ્કેમને લઈને કરવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એનએસઈમાં જે ગોલમાલ થઈ તે મામલે આ અત્યાર સુધીની સૌ પ્રથમ ધરપકડ છે.
આનંદ સુબ્રમણ્યમની ગુરૂવારે રાતે તેના ચેન્નાઈ ખાતેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેને સીબીઆઈના દિલ્હી સ્થિત મુખ્યાલય લઈ જવાની તૈયારી કરવામાં આવી અને ત્યાર બાદ તેને કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સીબીઆઈ એનએસી કો-લોકેશન સ્કેમમાં આનંદ સુબ્રમણ્યમની પણ પુછપરછ કરી રહી હતી. તે તપાસ એજન્સીને સહયોગ નહોતો આપી રહ્યો તેમ પણ સામે આવ્યું છે. સીબીઆઈ અજ્ઞાત યોગી અને ચિત્રા વચ્ચે ઈમેઈલ પર થયેલી વાતચીત અંગે વધુ જાણકારી મેળવવા ઈચ્છતી હતી પરંતુ આનંદ તે અંગે સરખા જવાબ નહોતો આપી રહ્યો.
આ કેસ સામે આવ્યા બાદ એનએસઈ સહિત અનેક એક્સપર્ટ્સનું માનવું છે કે, અજ્ઞાત યોગી કોઈ બીજું નહીં પણ આનંદ જ છે. એનએસઈએ સેબીને આપેલા સબમિશનમાં કહ્યું હતું કે, હકીકતમાં આનંદ જ યોગી છે અને તે ફેક આઈડેન્ટિટી ક્રિએટ કરીને ચિત્રાનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. જાેકે સેબીએ એનએસઈની આ વાત નહોતી માની.
એનએસઈ કો-લોકેશન સ્કેમમાં કેટલાક પસંદીદા બ્રોકર્સને ખોટી રીતે ફાયદો પહોંચાડવામાંઆવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, ઓપીજી સિક્યોરિટીઝ નામની બ્રોકરેજ ફર્મને ફાયદો પહોંચાડવા માટે તેને કો-લોકેશન ફેસિલિટીઝની એક્સેસ આપવામાં આવી હતી.
આ ફેસિલિટીમાં બ્રોકર્સને અન્યની સરખામણીએ થોડા સમય વહેલા તમામ ડેટા મળી જાય છે. સીબીઆઈના મતે આ રીતે એનએસઈ પર કરોડોની ગોલમાલ કરવામાં આવી છે.
આ સ્કેમ એ સમયે જ શરૂ થયું હતું જ્યારે ચિત્રા નંબર-૨ની હેસિયતથી પ્રમોટ થઈને નંબર-૧ બનવાની ખૂબ જ નજીક હતી. ચિત્રા સીઈઓ બની ત્યાર બાદ પણ આ સ્કેમ ચાલતું રહ્યું અને ત્યારે આનંદ તેનો કરીબી સહયોગી બની ગયો હતો. સીબીઆઈ આ મામલે અજ્ઞાત યોગીનું કનેક્શન શોધી રહી છે જેના ઈશારે ચિત્રા એનએસઈના તમામ ર્નિણયો લઈ રહી હતી.
સેબીના એક વર્તમાન આદેશ બાદ આ સમગ્ર જાણકારી ખુલીને સામે આવી હતી. સેબીના આદેશ પ્રમાણે ૨૦૧૩માં એનએસઈની તત્કાલીન સીઈઓ એન્ડ એમડી ચિત્રા રામકૃષ્ણાએ આનંદ સુબ્રમણ્યમને ચીફ સ્ટ્રેટેજી ઓફિસરના પદે હાયર કર્યો. એનએસઈમાં આવ્યો તે પહેલા આનંદ સુબ્રમણ્યમ ૧૫ લાખ રૂપિયાની નોકરી કરી રહ્યો હતો. એનએસઈમાં તેને ૯ ગણા કરતાં પણ વધુ ૧.૩૮ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું. ત્યાર બાદ તેને સતત પ્રમોશન મળ્યું અને થોડા સમયમાં જ તે ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (જીઓઓ) બની ગયો હતો.SSS