Western Times News

Gujarati News

ચિત્ર, નિબંધ અને કાવ્યલેખન સ્પર્ધા માટે કુલ ૨,૦૯,૨૭૯ કૃતિઓ મળી

 લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિનની કરેલી ઉત્સાહભેર ઉજવણી માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા

 દરેક સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.૧૫,૦૦૦, બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૦૦૦ અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ. ૫,૦૦૦નું પારિતોષિક આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૨૦ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતાં હોય તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને નિયત કરેલ ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની હતી.

૧૦મી મે સુધી યોજાયેલી આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રસ્પર્ધાની ૭૦૪૬૪, નિબંધ સ્પર્ધાની ૩૮૦૩૭ અને કાવ્ય લેખનની ૧૫૭૩૩ મળીને કુલ ૧,૨૪,૫૩૪ કૃતિઓ મળી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની ૪૨૦૯૦ , નિબંધ સ્પર્ધાની ૩૧૭૪૧ અને કાવ્ય લેખનની ૧૦૯૧૪ મળીને કુલ ૮૪૭૪૫ કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આમ, પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ ૨,૦૯,૨૭૯ જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આ કૃતિઓની જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

બંને વિભાગોમાં જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.૧૫,૦૦૦, બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૦૦૦ અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ. ૫,૦૦૦નું પારિતોષિક આપવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિનની કરેલી ઉત્સાહભેર ઉજવણી માટે શિક્ષણ વિભાગના તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીઓને વિશાળ સંખ્યામાં ભાગ લેવા બદલ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા છે. માત્ર સ્પર્ધા જ નહી પરંતુ તમામ ક્ષેત્રે ગુજરાતના ગૌરવને વધારવા તમામ ગુજરાતીઓ પોતાનો સાથ અને સહકાર આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.