‘ચિત્ર ભારતી નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ’ની ત્રીજી આવૃત્તિનો અમદાવાદમાં પ્રારંભ
અમદાવાદમાં પણ પુના જેવી ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના નિર્માણની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પુનાની પ્રસિદ્ધ ‘ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ જેવી ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં સ્થાપવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સ્ક્રીપ્ટ રાઈટીંગ થી માંડીને ફિલ્મ નિર્માણ સુધીની તાલીમ મળે તેવી ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં સ્થપાય તો રાજ્ય સરકાર દ્વારા તમામ સહયોગ પુરો પાડવામાં આવશે.
આ ઇન્સ્ટિટ્યૂટના નિર્માણથી તૈયાર થનાર કુશળ માનવબળ દેશનું દિશાદર્શન કરશે. લેખન, નિર્માણ અને નૃત્ય જેવા વિવિધ ક્ષેત્રોની તાલીમથી મોટું રોજગાર પણ નિર્માણ થશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન છે, માતૃભાષા દ્વારા હૃદયના ભાવ સહજ રીતે રજૂ કરી શકાય છે ત્યારે માતૃભાષાનું મહત્વ ટકે તે સમયની માંગ છે.
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘ચિત્ર ભારતી નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ’ની ત્રીજી આવૃત્તિનો પ્રારંભ કરાવતા કહ્યું કે, ફિલ્મોની સમાજ પર આગવી અસર હોય છે, તે અસરની વ્યક્તિગત ઉપરાંત સામાજિક અસર પણ પડે છે. સમાજનું પ્રતિબિંબ ફિલ્મોમાં ઝીલાય છે.
મુખ્યમંત્રીશ્રીએ નયા ભારતની કલ્પનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ફિલ્મ સમાજ ઘડતર અને તેના દ્વારા રાષ્ટ્ર ઘડતર પણ કરે છે. રાષ્ટ્ર ઘડતરના ઉમદા હેતુ દ્વારા જ નયા ભારતનું સ્વપ્ન સાકાર થવાનું છે. તેમણે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં ઉમદા ગુજરાતી ફિલ્મો બની છે. આ ફિલ્મોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડ સુધીના પુરસ્કારો અપાય છે.
તેમણે મહાશિવરાત્રિના પાવન અવસરે ગુજરાતની ધરતી પર આ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે તેનો આનંદ વ્યકત કરતા કહ્યું કે, ચિત્ર ભારતી સમાજ ઘડતરના દાયિત્વને ફિલ્મો દ્વારા આગળ વધારી રહી છે તેની સરાહના તેમણે કરી હતી. ભગવાન શંકરનું ‘નટરાજ’નું સ્વરૂપ પણ કલાનો એક પ્રકાર છે તેમ જણાવી તેમણે દરેક કલા દ્વારા સંસ્કૃતિ ઉજાગર થતી રહે છે. આપણી સંસ્કૃતિ તેના કારણે જ ટકી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે ફિલ્મોનો વ્યાપ થિયેટર પૂરતો સિમિત ન રહેતા મોબાઈલ સુધી વિસ્તર્યો છે. મોબાઈલ પર શોર્ટ ફિલ્મો પણ લોકપ્રિય થઈ રહી છે. ચિત્ર ભારતીના ચેરમેન શ્રી અજીતભાઇ શાહે જણાવ્યું કે, મહાશિવરાત્રીના પાવન અવસરે આજે ચિત્ર ભારતીની ત્રીજી આવૃત્તિનો પ્રારંભ થયો છે તે આનંદની વાત છે. જન્મથી મૃત્યુ સુધીની સફર દર્શાવતું માધ્યમ સિનેમા છે તેમ જણાવી તેમણે તેની સમાજ પર ચોક્કસ અસર પડે છે, ફિલ્મ માત્ર મનોરંજનનું માધ્યમ ન રહેતા સંવાદનું પણ માધ્યમ બની રહ્યું છે.
નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિના ઉદ્ઘાટન સમારોહમાં મેયર શ્રીમતી બિજલબેન પટેલ, ચિત્ર ભારતીના સુનિલ મિત્તલ, જાણિતા ફિલ્મ નિર્માતાશ્રી સુભાષ ઘાઈ, સેન્સર બોર્ડના અધ્યક્ષ અને જાણીતા ગીતકારશ્રી પ્રસુન જોષી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી હિમાંશુભાઈ પંડ્યા, ફિલ્મ જગત અભિષેક શાહ, મિહિર ભૂતા, આરતી પટેલ, દિલીપ શુક્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.