ચિદમ્બરમને મળવા સોનિયા ગાંધી તિહારની જેલ પહોંચ્યા
નવી દિલ્હી : કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે સવારે પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલમાં પહોંચી ગયા હતા. આ પહેલા સવારમાં તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ મળવા માટે પહોંચી ગયા હતા. ચિદમ્બરમ આઇએનએક્સ મિડિયા કોંભાડમાં હાલમાં તિહાર જેલમાં છે. તેમને ત્રીજી ઓક્ટોબર સુધી સીબીઆઇની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
જામીન અરજી પર આજે સુનાવણી કરવામા ંઆવી છે. ચિદમ્બરમ દેશ છોડીને ભાગી શકે છે તેવી રજૂઆત કરવમાં આવી ચુકી છે.પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની ૨૧મી ઓગષ્ટના દિવસે રાત્રે પુછપરછ બાદ તેમના આવાસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જાવા મળી હતી.
સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જાકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ઘણા સમય સુધી હાઈડ્રામાબાજીનો દોર ચાલ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની વચગાળાની જામીન અરજીની ફગાવી દેવામાં આવ્યા બાદ પૂર્વ નાણાંમંત્રીની વકીલોની ટીમની દોડધામ વધી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ચિદમ્બરમના ૧૧ વકીલોની ટીમે સીજેઆઈ સમક્ષ રજુઆત કરી હતી. ચિદમ્બરમના વકીલ ઈચ્છતા હતા કે, સુપ્રીમ કોર્ટમાં તરત જ મામલા પર સુનાવણી કરવામાં આવે અને તેમની ધરપકડ પર સ્ટે મળી જાય
પરંતુ આ બાબત શક્ય બની ન હતી.ચિદમ્બરમ પર અનેક આક્ષેપો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇડી અને સીબીઆઈ દ્વારા તેમની સામે ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. તેમની સામે કાયદાકીય ગુંચવણ હાલમાં દૂર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા વરિષ્ઠ વકીલો તેમને રાહત અપાવવા તમામ પ્રયાસ કરી રહ્યા હોવા છતાં કોઇપણ પ્રકારની રાહત મળી રહી નથી. હાલ ચિદમ્બરમને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે જ્યાં મર્યાદિત સુવિધાઓ આપવામાં આવી છે. ચિદમ્બરમને મળવા માટે વરિષ્ઠ નેતાઓ સતત પહોંચી રહ્યા છે. આજે સોનિયા ગાંધી અને મનમોહનસિંહ મળવા માટે પહોંચ્યા હતા. આઈએનએક્સ મિડિયા મામલામાં તેમના ઉપર સકંજા મજબૂત કરવામાં આવ્યો છે. જંગી નાણાની ઉથલપાથલ અને વિદેશમાં સંપત્તિને લઇને તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે.