Western Times News

Gujarati News

ચિરીપાલ કંપનીમાં ભડથું થયેલા મૃતદેહોની ઓળખવિધી માટે DNA ટેસ્ટ કરાશે

સમગ્ર ઘટનામાં તપાસ કરવા એફએસએલની પણ મદદ લેવાઈ : કંપનીના માલિકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ જતાં ભારે ઉહાપોહ મચી ગયો છે આ કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો છે અને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે અને ડીએનએ ટેસ્ટ કર્યાં બાદ મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે. બીજીબાજુ આ સમગ્ર ઘટનામાં એફએસએલની પણ મદદ લેવામાં આવી છે જયારે અન્ય ચાર વ્યÂક્તઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપ નંદન ડેનીમ કંપનીમાં લાગેલી આગથી અનેક સવાલો ઉભા થયા છે આ કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ છતાં ફાયરબ્રિગેડ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહી આવતા ગઈકાલે લાગેલી આગમાં ૭ શ્રમિકોનો ભોગ લેવાયો છે આ ઘટનાથી ભારે હોબાળો મચી જતાં આખરે નારોલ પોલીસ સ્ટેશનમાં ચિરીપાલ ગ્રુપના માલિકો અને અધિકારીઓ સહિત કુલ ૭ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બીજીબાજુ મૃતક શ્રમિકોના પરિવારજનોમાં ભારે રોષ જાવા મળતો હતો. વી.એસ. હોસ્પિટલમાં  મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કરી દેતા વાતાવરણ તંગ બની ગયું છે.

આજે સવારે પણ પરિવારજનો યોગ્ય વળતર તથા આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અડગ રહેતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે. આગની ઘટનામાં ભડથું થઈ ગયેલા ૭ શ્રમિકોના મૃતદેહ ઓળખવા અશક્ય બન્યા છે જેના પગલે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ ડીએનએ ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે જેના આધારે મૃતદેહોની ઓળખવિધી શકય બનશે. તબીબી ટીમ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે.

સમગ્ર શહેરમાં આ ઘટનાથી ભારે ઉહાપોહ મચી જતા નારોલ પોલીસ સ્ટેશનમાં કંપનીના એમડી જયોતિ ચિરીપાલ તથા દીપક ચિરીપાલ સહિત ૭ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાંથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જયારે કંપનીના માલિકોની આજ સવાર સુધી ધરપકડ કરવામાં આવી નથી. કંપનીમાં તપાસ કરવામાં આવતા ઘોર બેદરકારી બહાર આવી હતી અને તેના કારણે જ આ શ્રમિકો મોતને ભેટયા હતાં આ ઘટનામાં હવે તપાસ કરવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.