Western Times News

Gujarati News

ચીકનગુનિયાના કેસમાં ૫૦૦ ટકાનો વધારો

૨૦૧૯ના ૧૮૩ કેસ સામે ૨૦૨૦માં ૯૧૬ કેસ નોંધાયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ૨૦૨૦ના વર્ષમાં કોરોનાના ૫૦ હજાર જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે પરંપરાગત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો કાબુમાં રહ્યો હતો. પરંતુ ચીકનગુનિયાના કેસમાં ૨૦૧૯ની સરખામણીએ ૫૦૦ ટકા જેટલો વધારો થયો હતો. કોરોના મહામારીના કારણે તંત્ર તથા નાગરીકોએ ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગ તરફ ધ્યાન આપ્યું નથી. નોંધનીય બાબત એ છે કે, ૨૦૨૦ની સાલમાં કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી.

શહેરમાં ચીકનગુનીયાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૯ના વર્ષ દરમ્યાન ચીકનગુનીયાના માત્ર ૧૮૩ કેસ નોંધાયા હતા. જેની સામે ૨૦૨૦ના વર્ષમાં ચીકનગુનિયાના ૯૧૬ કેસ નોંધાયા હતા. આમ, ૨૦૨૦માં ચીકનગુનિયાના કેસમાં ૫૦૦ ટકા જેટલો વધારો થયો છે. ૨૦૨૦ની શરૂઆતના પ્રથમ ત્રણ મહિનામાં ચીકનગુનીયાના ૪૧ કેસ નોંધાયા હતા. કોરોનાના આગમન બાદ તંત્ર દ્વારા અન્ય રોગચાળા તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. મ્યુનિ. હોસ્પિટલોમાં પણ અન્ય રોગની સારવાર બંધ હોવાથી ડેન્ગ્યુ, ચીકનગુનીયા, કમળા જેવા રોગના કેસ નોંધાયા નહતા. એપ્રિલથી જુલાઈ સુધી ચીકનગુનીયાના માત્ર ૦૯ કેસ કન્ફર્મ થયા હતા. ઓગસ્ટમાં ૨૦ કેસ નોંધાયા હતા.

જ્યારે સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધી ચાર માસમાં ચીકનગુનીયાના ૮૪૫ કેસ નોંધાયા હતા. આમ, વર્ષ દરમ્યાન નોંધાયેલ કુલ કેસના લગભગ ૯૩ ટકા કેસ છેલ્લા ચાર માસમાં જ કન્ફર્મ થયા હતા. સપ્ટે.મહિનામાં ચીકનગુનીયાના ૧૨૫, ઓક્ટોબરમાં ૩૯૧, નવેમ્બરમાં ૨૨૬ તથા ડીસેમ્બરમાં ૧૦૩ કેસ નોંધાયા હતા. વર્ષ દરમ્યાન ચીકનગુનીયાના નોંધાયેલ ૯૧૬ કેસ પૈકી ૬૯૯ કેસ ખાનગી હોસ્પિટલોમાં નોંધાયા હતા. જ્યારે મ્યુનિ.હોસ્પિટલોમાં માત્ર ૨૧૭ કેસ જ કન્ફર્મ થયા હતા. ૨૦૨૦ના વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જાેવા મળ્યો હતો. ૨૦૧૯માં ડેન્ગ્યુના ૪૫૪૭ કેસ અને ૧૩ મરણ કન્ફર્મ થયા હતા. જેની સામે ૨૦૨૦માં ડેન્ગ્યુના ૪૩૦ કેસ નોંધાયા હતા. તેમજ કોઈ મરણ થયા ન હતા. ૨૦૧૯ના વર્ષમાં સાદા મલેરીયાના ૪૧૦૨ કેસ હતા જ્યારે ૨૦૨૦માં માત્ર ૬૧૮ કેસ કન્ફર્મ થયા હતા. જ્યારે ઝેરી મેલેરીયાના ૨૦૪ કેસ સામે ૨૦૨૦માં ૬૪ કેસ નોંધાયા હતા.

૨૦૨૦ના વર્ષમાં પાણીજન્ય રોગચાળામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૯ના વર્ષમાં ઝાડા ઊલ્ટીના ૭૧૬૧ કેસ સામે ૨૦૨૦માં ૨૦૭૨ કેસ નોંધાયા છે. ૨૦૨૦ના પ્રથમ ત્રણ મહિનામાં ઝાડા ઊલ્ટીના કેસની ગણતરી સરકારી હોસ્પિટલોમાં ઘણી ઓછી થઈ છે. ૨૦૧૯ના વર્ષમાં કમળાના ૨૯૨૨ કેસ નોંધાયા હતા. જેની સામે ૨૦૨૦માં કમળાના માત્ર ૬૬૪ કેસ નોંધાયા હતા. જ્યારે ટાઈફોઈડના ૫૨૬૭ કેસ સામે ૨૦૨૦માં ૧૩૩૮ કેસ નોંધાયા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, ૨૦૨૦ના સમગ્ર વર્ષ દરમ્યાન કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ ઝાડા ઊલ્ટી કે તાવના દર્દીની કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે ગણતરી કરવામાં આવી હશે. કોરોનાકાળમાં લોકડાઉનના કારણે હવા શુદ્ધ થઈ હતી. મ્યુનિ.કોર્પાેરેશનના પાણી ૧૦૦ ટકા શુદ્ધ થયા નથી. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.