ચીખલી તાલુકાની પાટીદાર યુવતીની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક

નેત્રી પટેલે 10 સપ્તાહની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થઈને અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવતાં પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
અમેરિકા ખાતે વસતાં પોતાના નાના – નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીની પાટીદાર સમાજની પુત્રી આજે યુએસ નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે.
10 અઠવાડિયાની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો છે. સંભવતઃ દક્ષિણ ગુજરાતમાંથી યુએસ નેવીમાં નિમણૂંક મેળવનાર નેત્રી પટેલ પહેલી યુવતી છે.
અમેરિકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં પણ અલગ – અલગ ક્ષેત્રોમાં પોતાનો ડંકો બજાવી રહ્યા છે. એક તબક્કે હોટેલ અને મોટેલ વ્યવસાયનો પર્યાય ગણાતાં ગુજરાતીઓની ઓળખ હવે વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ચુકી છે. અમેરિકાના રાજકારણમાં પણ ગુજરાતીઓ અદકેરૂં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
અમદાવાદમાં જન્મેલી નેત્રીએ પાલડી વિસ્તારમાં આવેલી લીટર ફ્લાવર સ્કુલમાંથી અભ્યાસ કર્યો હતો. અને બોપલ વિસ્તારમાં આવેલી શિવ આશિષ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે માતા, પિતા અને નાના ભાઈ સાથે 2015ની સાલમાં અમેરિકા ગઈ હતી.
આ સ્થિતિમાં અમેરિકાના મિસીસીપી ખાતે વસતાં પોતાના નાના અને નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી મૂળ વતન ચીખલીના વાંઝણા ગામની પુત્રીએ ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.
એક તો યુએસ નેવીની દુનિયાભરમાં સૌથી સખ્ત ગણાતી ટ્રેનિંગ અને તેમાં પણ યુવતી હોવાને કારણે શરૂઆતમાં આ પરિવારને પુત્રીના નિર્ણય પર થોડી શંકા – કુશંકા હતી
પરંતુ ઉત્સાહ અને અદમ્ય સાહસની પાંખો સાથે નેત્રી પટેલે 10 સપ્તાહની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થઈને અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવતાં માત્ર મિસીસીપીમાં વસતાં હજ્જારો એનઆરઆઈ પરિવારો જ નહીં પરંતુ મુળ વતન ચીખલીમાં પણ વસતાં પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
આ સખત ટ્રેનીંગ દરમ્યાન મોબાઈલ ફોન વાપરવાની છૂટ હોતી નથી. ઘરના સભ્યો સાથે માત્ર પત્ર વ્યવહારથી જ સંપર્ક કરી શકાય છે. વેજીટેરીયન હોવાને કારણે ટ્રેનીંગ દરમ્યાન ખાવાની પણ ઘણી મુશ્કેલી નેત્રીને પડી હતી. પરંતુ ટ્રેનિંગ પૂરી કરવાની જીદ સાથે ગયેલી આ યુવતીએ કઠીન પરિક્ષા જરા પણ ખચકાયા વગર પૂર્ણ કરી હતી.
10 સપ્તાહની કપરી યુએસ નેવીની બુટ કેમ્પ ટ્રેનિંગ
આ સંદર્ભે વધુ માહિતી આપતાં નેત્રી પટેલના પિતા નિરવભાઈએ જણાવ્યું હતું કે, શિકાગો ખાતે આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે તમામ ઉમેદવારોને 10 સપ્તાહની ટ્રેનિંગ આપવામાં આવે છે.
દર સપ્તાહે ટ્રેનિંગ સેશન વધુ ને વધુ સખ્ત અને અદમ્ય સાહસ માંગી લેતું હોય છે જેને પગલે મોટા ભાગના ઉમેદવારો અધવચ્ચેથી જ ટ્રેનિંગ પડતી મુકી દેતાં હોય છે. ગણ્યાં ગાંઠ્યા ઉમેદવારો જ યુએસ નેવીની ટ્રેનિંગમાં સફળતા મેળવીને આ ગૌરવ મેળવે છે.