ચીનથી ગુજરાતીઓને લાવવા ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ : નીતિન પટેલ
અમદાવાદ: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા ગુજરાત સરકાર ભારે ચિંતિત છે. અમદાવાદ બી.જે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે બે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય ૧૭ દેશોમાં જોવા મળ્યો છે,
પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. જા કે, સરકાર અને સમગ્ર આરોગ્ય તંત્ર હાઇએલર્ટ પર છે. ગુજરાતીઓને ચીનથી પરત લાવવા અને તેઓની તમામ પ્રકારે સારવાર માટે સરકાર બધી રીતે તૈયાર કરી રાખી છે. નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર કોરોના વાઈરસ બાબતે ખૂબ ચિંતિત છે. ચીનથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવે છે. ચીનમાં ભણતા એકેય ગુજરાતી વિદ્યાર્થીઓને ઈન્ફેક્શન થયું નથી.
વિદેશ વિભાગ ચીન સાથે સતત સંપર્કમાં છે. ચીનમાં વસતા ભારતીયો પૈકી જેટલા પરત આવવા માંગે છે તેમને પરત લવાશે. નોવેલ કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય ૧૭ દેશોમાં જોવા મળ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. તમામ પ્રકારની આરોગ્ય સવલતો પૂરી પાડવા રાજ્યનું આરોગ્ય તંત્ર સુસજ્જ છે.
નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક સ્ક્રિનિંગ માટે ટર્મિનલ-૨ ઉપર ૨૪ કલાક એક ડોક્ટર તેમજ બે પેરા મેડીકલ સ્ટાફ સાથેની મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરાઈ છે. મેડીકલ ટીમની સાથે થર્મલ સ્કેનર, પી.પી.ઈ.કીટ, એન-૯૫ માસ્ક, થ્રી લેયર માસ્ક, ઓક્સિજન, ઈમરજન્સી દવાઓ તથા સેલ્ફ ડિક્લેરેશન અંગેના ફોર્મ રાખવામાં આવી છે.
આ ઉપરાંત સતત ૨૪ કલાક એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ એલર્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે. કોરોના વાઈરસ માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
જેમાં અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. આરોગ્ય કમિશનરની કચેરી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(એસઇઓસી), ગાંધીનગર ખાતે કોરોના વાઈરસ અંગે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ચીનથી પરત ફરેલા તમામ ૪૩ મુસાફરોને ઓબ્ઝર્વેશન હેઠળ તેમના ઘરે રાખવામાં આવ્યા છે અને તમામની તબિયત સારી છે. તમામનું જિલ્લાના સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસની અસરથી બચવા તકેદારી રાખવાના જે ઉપાયો સૂચવાયા છે, તેમાં રોગના અટકાવ અને નિયંત્રણ માટે નાગરિકોએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી. વારંવાર સાબુથી હાથ ધોવા, છીંક કે ઉધરસ ખાતી વખતે મોંઢુ અને નાક રૂમાલ કે ટીસ્યુ પેપરથી ઢાંકવા, હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું,
જો આપને કોઇ બીમારી જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવીને સારવાર લેવી, જિલ્લા આરોગ્ય તંત્રને તાત્કાલિક જાણ કરવી, વિમાન મુસાફરી દરમિયાન બીમારી જણાય તો એરલાઇન્સ સ્ટાફ કે ઇમીગ્રેશન કાઉન્ટર ઉપર તમારી બીમારી વિશે તરત જાણ કરવી અને તેમની પાસેથી માસ્ક મેળવવો જેવી તકેદારી રાખવી જોઈએ વગેરે સલાહ-સૂચનોનો સમાવેશ થાય છે.