ચીનથી પાછા ફરેલા ઉત્તર કોરિયાના અધિકારીને કિમ જોંગે ગોળી મરાવી દીધી
પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાનો તાનાશાહ શાસક કિમ જોંગ પણ પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસના ઉપદ્રવના કારણે ફફડી ઉઠ્યો છે. ચીનની મુલાકાતે ગયેલા ઉત્તર કોરિયાના એક અધિકારીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. ચીનથી પાછા ફરેલા અધિકારીને આઈસોલોશેન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. જોકે તેણે ભૂલથી સાર્વજનિક વોશરૂમનો ઉપયોગ કરી લીધો હતો. આ ભૂલની સજા તેણે પોતાની જીંદગી આપીને ચુકવવી પડી છે. દક્ષિણ કોરિયાના એક અખબારના અહેવાલ પ્રમાણે આ વ્યક્તિને વાયરસ ફેલાવવાનો દોષી કરાર આપવામાં આવ્યો હતો અને બાદમાં તેને ફાયરિંગ સ્કવોડ સામે ઉભો રાખીને ગોળી મરાવી દેવાઈ હતી.
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગે આદેશ આપ્યો છે કે, પરવાનગી વગર આઈસોલેશન વોર્ડ છોડીને જનારા લોકો સામે કોર્ટ માર્શલ એટલે કે સેનાના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. એવી અટકળો થઈ રહી છે કે, કોરોના વાયરસના સંખ્યાબંધ કેસ ઉત્તર કોરિયામાં પણ સામે આવ્યા છે અને તેના કારણે કેટલાકના મોત પણ થયા છે. જોકે તેની કોઈ સત્તાવાર જાણકારી હજી સુધી ઉત્તર કોરિયાએ આપી નથી.