ચીનના કહેવાથી રશિયાએ યુક્રેન પર આક્રમણ ટાળ્યું હતું

વોશિંગ્ટન, છેલ્લા ૮ દિવસથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈ એક ખૂબ જ મહત્વનો ખુલાસો થયો છે. રશિયા ઘણાં સમય પહેલા જ યુક્રેન પર હુમલો કરવાનું હતું પરંતુ ચીને તેને બેઈજિંગ ખાતે આયોજિત વિન્ટર ઓલમ્પિક બાદ આક્રમણ કરવા માટે રાજી કરી લીધું હતું. રશિયાએ પોતાના કરીબી મિત્ર ચીનની સલાહ માની હતી અને ગત ગુરૂવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થઈ ચુક્યા છે.
ચીનના વરિષ્ઠ અધિકારીઓએ ફેબ્રુઆરીની શરૂઆતમાં રશિયન નેતાઓને તેઓ વિન્ટર ઓલમ્પિક સમાપ્ત થયા પૂર્વે હુમલો ન કરે તેમ કહ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં આ અંગેનો દાવો કર્યો છે. રિપોર્ટમાં બાઈડન પ્રશાસનના અધિકારીઓ અને એક પશ્ચિમી ગુપ્ત રિપોર્ટના હવાલાથી આ વાત કરવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે ચીનના ટોચના અધિકારીઓને રશિયાની યુક્રેન પર હુમલો કરવાની યોજના અંગે સંકેતો મળ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ગત ગુરૂવારના રોજ એલાન-એ-જંગના ખૂબ પહેલા જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મિત્ર દેશની આ યોજનાની સૂચના આપી દેવાઈ હતી.
આ તરફ વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યૂએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે. તેમના કહેવા પ્રમાણે આ આધારહીન અટકળો છે. જ્યારે અમેરિકી વિદેશ વિભાગ અને ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા હાલ આ રિપોર્ટ અંગે કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી.
પશ્ચિમી નેતાઓ દ્વારા રશિયાને વારંવાર ચેતવણી આપવામાં આવી તેમ છતાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને ૨૪ ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર ચઢાઈ કરી દીધી હતી. વિન્ટર ઓલમ્પિક ૨૦૨૨ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ તરત જ પુતિને યુક્રેન પર ૩ દિશાઓ ઉત્તર, પૂર્વ અને દક્ષિણેથી ધાવો બોલાવ્યો હતો.
ગત ૪ ફેબ્રુઆરીના રોજ વિન્ટર ઓલમ્પિકના શુભારંભ પ્રસંગે પુતિન અને જિનપિંગની મુલાકાત થઈ હતી. તેમાં બંને નેતાઓએ પશ્ચિમી દેશો વિરૂદ્ધ વધુ સહયોગ વધારવા પર સહમતી આપી હતી. અમેરિકા સહિત અનેક દેશોએ વિન્ટર ઓલમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કર્યો હતો. ગત ૦૪થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ચીનની રાજધાની બેઈજિંગ ખાતે વિન્ટર ઓલમ્પિક યોજાઈ હતી.
અમેરિકી અધિકારીઓએ પૃષ્ટિ કરી છે કે, વોશિંગ્ટને યુક્રેનની આસપાસ રશિયન સેનાની તૈનાતી અંગે વરિષ્ઠ ચીની અધિકારીઓને ગુપ્ત બાતમી આપી હતી. તેમને આશા હતી કે, ચીન રશિયાને સેનાનો જમાવડો ન કરવા અને યુદ્ધ રોકવા રાજી કરશે પરંતુ તેમ ન બન્યું.SSS