ચીનના પાંચ સામાન ઉપર પાંચ વર્ષ માટે ‘એન્ટી ડમ્પીંગ ડ્યુટી’ લાગુ
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉત્પાદકોને સસ્તી આયાતથી બચાવવા માટે મહત્ત્વનું પગલું ઉઠાવ્યું છે. મોદી સરકારે ચીનના પાંચ સામાન ઉપર પાંચ વર્ષ માટે ‘એન્ટી ડમ્પીંગ ડ્યુટી’ લાગુ કરી દીધી છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)એ આ અંગે અલગ-અલગ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે.
આ જાહેરનામા હેઠળ એલ્યુમિનિયમના અમુક ઉત્પાદનો, સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ (ડાઈ ઉદ્યોગમાં ઉપયોગ), સિલિકોન સીલેન્ટ (સૌર ફોટોવોલ્ટિક મોડ્યુલ અને થર્મલ પાવર એપ્લીકેશનના નિર્માણમાં ઉપયોગ), હાઈડ્રોફ્લોરોકાર્બન (એચએફસી) કમ્પોનેન્ટ આર-૩૨ અને હાઈડ્રોફ્લોરોકાર્બન મિશ્રણ (બંનેનો રેફ્રિઝરેશન ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે) ઉપર ટેક્સ લગાવ્યો છે.
આ ટેક્સ વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર)ની ભલામણો બાદ લગાવાયો છે. ડીજીટીઆરે અલગ-અલગ તપાસમાં શોધી કાઢ્યું છે કે આ ઉત્પાદનોને ભારતીય બજારોમાં સામાન્ય ભાવથી ઓછી કિંમતે નિકાસ કરવામાં આવે છે જેના પરિણામસ્વરૂપે ડમ્પીંગ થયું છે.
ડીજીટીઆરે કહ્યું કે ડમ્પીંગથી ઘરેલું ઉદ્યોગોને નુકસાન પહોંચી રહ્યું છે. સીબીઆઈસીએ સ્થાનિક ઉત્પાદકોને સસ્તી ચીની આયાતથી બચાવવા માટે સીકેડી-એસકેડીમાં ટ્રેલરો માટે એક વ્હીકલ કમ્પોનેન્ટ-એક્સલ ઉપર પણ ડમ્પીંગ ટેક્સ લગાવ્યો છે.આ રીતે ઈરાન, ઓમાન, સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)થી કૈલફ્લાઈન્ડ જીપ્સમ પાઉડરની આયાત ઉપર પણ પાંચ વર્ષ માટે ટેક્સ લગાવાયો છે.HS