ચીનના શહેર લાનઝોઉમાં લોકડાઉન લાદવામાં આવ્યું

બેઈજિંગ, ચીનમાં કોરોનાનો જે કહેર ગત વર્ષ જાન્યુઆરીથી શરૂ થયો હતો તેના પાછા ફરવાનું જાેખમ તોળાઈ રહ્યું છે. ચીનમાં ૧૦૦ કરોડથી વધુ નાગરિકોને કોરોના રસીના બંને ડોઝ લાગી ગયા છતાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ જ કારણ છે કે ચીને ૪૦ લાખની વસ્તીવાળા શહેર લાનઝોઉમાં લોકડાઉન લગાવી દીધુ છે.
લાનઝોઉ શહેર પ્રશાસને મંગળવારે કહ્યું કે તમામ રહેણાંક મકાનોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયા છે. કોઈને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. ચીનની રાજધાની બેઈજિંગમાં પણ કોરોનાના કેસે દહેશત ફેલાવી છે. લોકો કોવિડ ટેસ્ટસેન્ટરની બહાર લાંબી લાઈન લગાવી રહ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે કોરોના વાયરસના વધતા કેસને રોકવા માટે આ પગલું લેવાઈ રહ્યું છે.
નાગરિકોને કહેવાયું છે કે ઈમરજન્સી જરૂરિયાતોને બાદ કરતા ઘરની બહાર ન નીકળવું. લાનઝોઉ પ્રશાસને તમામ સ્થાનિક કચેરીઓ, રહેણાંક કોલોની અને અન્ય સંસ્થાઓને કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે. ચીનમાં ૨૯ કોરોના દર્દીઓની ભાળ મળી છે. જેમાંથી મોટાભાગના આ શહેરના હોવાનું કહેવાય છે.
ચીન સરકારનું કહેવું છે કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કેસ અનેક શહેરમાંથી સામે આવી રહ્યા છે. તેઓ આ માટે બહારથી ચીન આવી રહેલા લોકોને જવાબદાર ઠેરવી રહ્યા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને બે દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે દેશમાં ૨૨૪ કરોડથી વધુ કોરોના રસી અપાઈ ચૂકી છે અને તેઓ રસીકરણ અભિયાન પૂરું કરવા તરફ છે.
જાે કે કોરોનાના વધતા કેસે ચિંતા વધારી દીધી છે. ચીનમાં ગત વર્ષે જાન્યુઆરીમાં કોરોનાના સૌથી પહેલા કેસની જાણ થઈ હતી. કહેવાય છે કે ચીનના શહેર વુહાનના માંસ બજારથી જ વાયરસ ફેલાયો અને પછી તો આખી દુનિયા તેની ઝપેટમાં આવી ગઈ.SSS