ચીનના શાંઘાઈમાં એક દિવસમાં કોરોનાના ૨૩૦૦૦થી વધારે કેસ
નવી દિલ્હી, ફરી એકવાર ચીન કોરોનાને કારણે ભયંકર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. અહીં વધુ ૩૪૦૦ લોકો કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી છે, જ્યારે લક્ષણ વિનાના કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૦,૭૦૦ નોંધાઈ છે.
ચીનના શાંઘાઈ શહેરમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. અહી લાંબા સમયથી લોકડાઉન છે. શાંઘાઈમાં સારવારની રાહ જાેઈ રહેલા એક વૃદ્ધ મહિલાના મૃત્યુની ખબર સામે આવતા લોકોમાં આક્રોશ જાેવા મળ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યો હતો કે જે કોરોના દર્દી નથી તેમની સારવારમાં પણ વિલંબ કરવામાં ન આવે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર ચીનના બિઝનસ હબ તરીકે ઓળખાતા શાંઘાઈમાં બુધવારના રોજ કોવિડ ૧૯ સંક્રમિત લોકોની સંખ્યા ૩૨૦૦ હતી જ્યારે લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૯,૮૭૨ નોંધાઈ હતી. શહેરમાં કોરોનાની તપાસ કરવા માટે અનેક તબક્કામાં પરિક્ષણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સારવાર માટે અસ્થાઈ ધોરણે હોસ્પિટલો બનાવવામાં આવી છે.
પાછલા ચોવીસ કલાકમાં કોરોના સંક્રમિત દર્દીઓના ૨૮,૭૭૮ સ્વજનોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચીનના વુહાન શહેરમાં ૨૦૧૯માં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.
ત્યારપછી કોરોના વાયરસના સંક્રમણે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. અને હવે ફરી એકવાર ચીનમાં સ્થિતિ બગડી રહી છે. દુનિયાના બાકીના દેશોમાં અત્યારે પ્રમાણમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
પરંતી ચીન સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે તે મૃતકોની સંખ્યા છુપાવી રહ્યું છે. શાંઘાઈની એક હોસ્પિટલમાં શુક્રવારના રોજ ડઝન જેટલા વૃદ્ધોનાં મૃત્યુ થયા છે. પરંતુ સત્તાવાર સરકારી આંકડા દાવા કરી રહ્યા છે કે ૨૦૨૦ પછી શહેરમાં કોરોનાને કારણે કોઈનું મૃત્યુ નથી થયું.
વાયરસની નવી લહેરને રોકવા માટે સરકાર શાંઘાઈમાં કડક લોકડાઉન લગાવી રહી છે. શહેરની લગભગ ૨૫ મિલિયન વસ્તીને લગભગ ૩ અઠવાડિયા માટે અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શાંઘાઈમાં સ્થિતિ એટલી વણસી ગઈ છે કે સરકારી મીડિયા માધ્યમોએ પણ જનતાના અસંતોષની વાત કરવાની શરુઆત કરી છે. ગ્લોબલ ટાઈમ્સમાં શુક્રવારના રોજ છપાયેલા રિપોર્ટ અનુસાર, શાંઘાઈ શહેર કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ વિરુદ્ધ પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
સ્થાનિકો વચ્ચે શંકા, ચિંતા અને થાક જાેવા મળી રહ્યા છે. ઈન્ટરનેટ પર મોટી સંખ્યામાં લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. શાંઘાઈ શહેરમાં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણીની તંગીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મહામારીથી સૌથી વધારે વૃદ્ધો પ્રભાવિત છે.
શાંઘાઈમાં વૃદ્ધોની સંખ્યા ઘણી વધારે છે. આ લોકો આમ પણ ઉંરમને કારણે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય છે, તેમાં ઉપરથી લોકડાઉન લાગી જતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.SSS