ચીનના 1000 જાસૂસો અમેરિકામાં કાર્યરત, બાઈડેન ટીમમાં પણ ઘૂસણખોરીના પ્રયાસો
વોશિંગ્ટન, અમેરિકામાં ચાલી રહેલી સત્તા પલટાની પ્રક્રિયા વચ્ચે અમેરિકાની સંસ્થા નેશનલ ઈન્ટેલિજન્સે ચીનને લઈને સનસનીખેજ દાવો કર્યો છે.
નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર વિલિયમ ઈવેનિયાનુ કહેવુ છેકે, ચીન હવે નવા ચૂંટાયેલા જો બાઈડેનની ટીમ પર ફોકસ કરી રહ્યુ છે.ચીની જાસૂસો બાઈડેનની નવી ટીમને પ્રભાવિત કરવાની કોશીશ કરી રહ્યા છે.ચીન અમેરિકામાં બની રહેલી કોરોના વેક્સિનની જાણકારી મેળવવા માટે પણ ધમપછાડી કરી ચુક્યુ છે અને ચૂંટણીમાં પણ તેણે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, બાઈડેનની સરકાર બન્યા બાદ પણ ચીનના આ પ્રયાસો ચાલુ રહેશે.કારણકે નવા પ્રશાસનમાં ચીન ચંચૂપાત કરી રહ્યુ હોવાના એંધાણ પણ મળી રહ્યા છે. બીજી તરફ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ચીનના 1000 શંકાસ્પદ જાસૂસ અમેરિકામાં કાર્યરત છે.નેશનલ સિક્યુરિટી ડિવિઝનના જસ્ટિસ વિભાગના ચીફ જોન ડેમર્સના મતે અમેરિકામાં ચીની મૂળના ઘણા સંશોધકોના તાર ચીની સેના સાથે જોડાયેલા છે અને એફબીઆઈ દ્વારા તેમની ઓળખ પણ કરાઈ છે.આવા પાંચ થી છ સંશોધકોને એફબીઆઈ દ્વારા પકડવામાં પણ આવ્યા છે.
એફબીઆઈ દ્વારા સેંકડો લોકોની આ સંદર્ભમાં કરાયેલી પૂછપરછ બાદ આંકડો સામે આવ્યો છે.