ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા
નવી દિલ્હી, ચીન સાથે સરહદ પર ચાલી રહેલા ટકરાવની વચ્ચે ભારતે વિદેશથી આવતા મૂડીરોકાણના નિયમોમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને ચીનને ધ્યાનમાં રાખીને જ આ ફેરફારો કરવામાં આવ્યા છે. જે પ્રમાણે ચીનથી આવતા રોકાણ માટે પહેલા સરકારની મંજૂરી લેવી જરુર છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હાલમાં ચીનના 12,000 કરોડ રુપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો સરકાર પાસે પડી રહ્યા છે. જોકે સરકાર ઉતાવળ કરવા માંગતી નથી.
આ પૈકીના મોટાભાગના પ્રસ્તાવો અગાઉથી જે રોકાણ થયેલું છે તેમાં વધારો કરવા માટેના છે. ખાસ કરીને દેશના કેટલાક મોટા સ્ટાર્ટઅપ પેટીએમ, ઝોમેટો જેવા સાહસોમાં ચીની રોકાણકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે અને તેઓ વધારે ફંડ તેમાં નાંખવા માંગે છે. જોકે સરકારની મંજુરી વગર આ શક્ય નથી. આ સિવાય પાવર, ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ અને ફાઈનાન્સ સેક્ટર માટે પણ પ્રસ્તાવો સરકાર પાસે મંજૂરીની રાહ જોઈને પડયા છે.