ચીનની કોરોના રસી સૌથી વધુ જોખમી : ચીની ડૉક્ટર તાઓ લીનાએ કરેલો દાવો
નવી દિલ્હી, ચીનના એક ડૉક્ટર તાઓ લીનાએ ચીનમાં બનેલી કોરોના રસીને દૂનિયાની સૌથી જોખમી રસી ગણાવી હતી. ચીનની સરકાર જો કે એવો દાવો કરે છે કે ચીનની રસી સૌથી વધુ અસરકારક અને સુરક્ષિત હતી..
આ ડૉક્ટરે એવો દાવો કર્યો હતો કે કોરોનાની ચીની રસીની એક બે નહીં, પૂરી તોંતેર આડઅસર થતી હતી. ચીનની સરકારી ફાર્મસી કંપની સાઇનોફોર્મે આ રસી બનાવી હતી. જો કે ચીને પોતાની રસી દુનિયામાં સૌથી સારી હોવાનો પ્રચાર કર્યો ત્યારબાદ પોતાની સામે ખડા થયેલા જોખમના પગલે ડૉક્ટર તાઓ ગભરાયા હતા અને ફેરવી તોળ્યું હતું કે મારા વિધાનને પાશ્ચાત્ય મિડિયાએ તોડી મરોડીને રજૂ કર્યું હતું.
તેમણે પોતાના દેશવાસીઓની માફી માગી હતી અને પોતે કરેલા વિધાનને સરતચૂક ગણાવીને એનું દોષારોપણ પાશ્ચાત્ય મિડિયા પર કર્યું હતું. ઇસાઇ નવા વર્ષની પૂર્વસંધ્યાએ ચીનના આરોગ્ય ખાતાએ સાઇનોફોર્મ કંપનીની રસીને કાયદેસર રીતે માન્યતા આપી હતી. અત્રે એ યાદ કરવા જેવું છે કે ચીનના જ એક ડૉક્ટર લી વેનલિયાંગે સમગ્ર વિશ્વ સમક્ષ જાહેર કર્યું હતું કે કોરોના વાઇરસ ચીનના વુહાન પ્રાંતમાંજ પેદા થયા હતા. પાછળથી એ ડૉક્ટર શંકાસ્પદ સ્થિતિમાં મરણ પામ્યા હતા. હવે તાઓ લીનાએ ચીનની રસીને જોખમી ગણાવી હતી પરંતુ પાછળથી પોતાના જાનને જોખમ જણાતાં ફેરવી તોળ્યું હતું.
ચીનની સરકારે પોતાની રસીને આશે 80 ટકા (79.34) અસરકારક ગણાવી હતી. ફેબ્રુઆરીની અધવચ આવી રહેલા ચીની નવા વર્ષની આસપાસ ચીન કરોડો લોકોને સાઇનોફોર્મ કંપનીની રસી આપવાનું શરૂ કરશે.
દરમિયાન ડૉક્ટર તાઓને આડકતરી ચેતવણી આપવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય મિડિયા સાથે વાત કરવી નહીં. કોરોના રસી વિશે કોઇ અભિપ્રાય જાહેર કરવો નહીં. સ્વાભાવિક રીતે જ ડૉક્ટર તાઓએ હવે હોઠ સીવી લીધા હતા. એમને પોતાના પર તોળાઇ રહેલા જાનના જોખમનો કદાચ ખ્યાલ આવી ગયો હતો.