ચીનની કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 15નાં મોત
બેઈજિંગ, ચીનનાં શાંક્શી પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 15 લોકોના મોત નીપજ્યા તેમજ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શાંક્શી કોલસા ખાણ સુરક્ષા વહીવટીતંત્રએ જણાવ્યું કે આ ઘટના સોમવારે એ સમયે બની જ્યારે 35 ખાણીયાઓ પિંગ્યાઓ કાઉન્ટી ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતાં. 11 ખાણીયાઓને ત્યાંથી સફળતાપૂર્વક બહાર કાઢી શકાયા છે. અત્યાર સુધીની તપાસથી એ જાણી શકાયું છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ખાણમાં લગભગ 35 મજુરો કામ કરી રહ્યા હતાં. દુર્ઘટનાના કારણો જાણી શકાયા નથી. જો કે આ સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ચીનમાં તમામ સુરક્ષાના પગલા લેવામાં આવતા હોવા છતાં પણ આ પ્રકારની દુર્ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જેમ કે દક્ષિણ-પશ્ચિમ ચીનનાં ચોંગછિંગ શહેરમાં આ મહિને કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 30 મજુરોનાં મોત થયા હતાં અને મોટાપાયે નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરનારો દેશ છે.