ચીનની તાઈવાન મુદ્દે જાપાનને પરમાણુ હુમલાની ધમકી

બેઈજિંગ: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારું ચીન પરમાણુ હુમલાની કહાની પણ રચી શકે છે. ચીને તાઈવાન મુદ્દે જાપાન પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં કહેવાયું છે કે જાે જાપાન તાઈવાનની મદદ કરવાની ભૂલ કરશે તો તેના પર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવશે. આમ તો ચીન તાઈવાન મુદ્દે હંમેશાથી આક્રમક રહે છે પરંતુ આ પ્રકારની પરમાણુ હુમલાની ધમકી કદાચ પહેલીવાર સામે આવી છે.
એક રિપોર્ટ મુજબ મંજૂરીથી આ વીડિયો એક ચેનલ પર ચલાવવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવાયું છે કે અમે સૌથી પહેલા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરીશું. અમે સતત પરમાણુ બોમ્બનો ઉપયોગ કરતા રહીશું અને ત્યાં સુધી કરતા રહીશું જ્યાં સુધી જાપાન કોઈ પણ શરત વગર આત્મસમર્પણ ન કરે. તાઈવાન ન્યૂઝનું કહેવું છે કે આ વીડિયોને ચીનના પ્લેટફોર્મપર ૨ મિલિયન વ્યૂઝ મળ્યા બાદ ડિલિટ કરી દેવાયો હતો પરંતુ વીડિયોની કોપી યુટ્યૂબ અને ટિ્વટર પર અપલોડ કરી દેવાઈ છે.
ચીનની આ ધમકી એવા સમયે આવી છે જ્યારે લગભગ બે અઠવાડિયા પહેલા જાપાને તાઈવાનના સાર્વભૌમત્વની રક્ષા કરવા અંગે વાત કરી હતી. જાપાનના ડેપ્યુટી પીએમ તારો અસોએ કહ્યું હતું કે જાપાને ચોક્કસપણે તાઈવાનની રક્ષા કરવી જાેઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે તાઈવાનમાં કોઈ મોટી ઘટના ઘટે તો જાપાનના અસ્તિત્વ માટે જાેખમ ઊભુ થશે. આથી આવી સ્થિતિમાં જાપાન અને અમેરિકાએ મળીને તાઈવાનની રક્ષા માટે કામ કરવું પડશે.
આ બાજુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને પણ નિવેદન આપ્યું છે. સ્કાય ન્યૂઝ ઓસ્ટ્રેલિયાના રિપોર્ટ મુજબ લિજિયને કહ્યું કે જાપાને તાઈવાન મુદ્દે પોતાની સોચ બદલવી જાેઈએ. ચીની પ્રવક્તાએ કહ્યું કે અમે એકવાર ફરીથી જાપાનને તાઈવાન મુદ્દે પોતાની સોચ બદલાવાનો આગ્રહ કરીએ છીએ. ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે આ જરૂરી છે. જાપાને ચીનના સાર્વભૌમત્વ અને પ્રમાણિકતા પ્રત્યે સન્માન દાખવવું જાેઈએ. ઝાઓ લિજિયને એ પણ કહ્યું કે તાઈવાન અમારો ભાગ છે અને તે વિશુદ્ધ રીતે ચીનનો આંતરિક મામલો છે.