ચીનની હરકતો જોતા તેના પર ભરોસો મુકી શકાય નહીઃ બ્રિટન
લંડન, માત્ર ભારત જ નહી દુનિયાના બીજા દેશોની નજરમાં પણ ચીન ઝડપભેર અળખામણુ બની રહ્યુ છે.
બીજા દેશો સાથે વિસ્તારવાદી નીતિ અને ધમકીભરી ભાષા વાપરી રહેલા ચીનની અમેરિકા રોજ ટીકા કરે છે અને હવે બ્રિટન પણ તેમાં જોડાયુ છે. હોંગકોંગ મુદ્દે ચીનની ટીકા કરી રહેલા બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક કાબે નવુ નિવેદન આપતા કહ્યુ છે કે, ચીનની હરકતોને જોતા તેના પર વિશ્વાસ મુકી શકાય તેમ નથી.ખાસ કરીને હોંગકોંગમાં નવો સુરક્ષા કાયદો લાવ્યા બાદ તો ચીન ભરોસો કરવા લાયક રહ્યુ નથી.
ઉલ્લેખનીય છે કે, બ્રિટને ૧૯૯૭માં જ્યારે હોંગ કોંગનો કબ્જો ચીનને સુપરત કર્યો ત્યારે ચીન પાસેથી ૨૦૪૭ સુધી હોંગકોંગને તમામ પ્રકારની સ્વાયત્તતા આપવાની ગેરંટી લીધી હતી.જોકે નવો સુરક્ષા કાયદો લાવીને ચીન આ ગેરંટીનો ભંગ કરી રહ્યુ છે તેવુ બ્રિટનનુ કહેવુ છે. કાબે કહ્યુ હતુ કે, ચીને હોંગકોંગની સ્વાયત્તતા અકબંધ રાખવાનો વાયદો કર્યો હતો.આ પરસ્પરના વિશ્વાસની વાત હતી અને હવે બીજા દેશ પણ સવાલ કરી રહ્યા છે કે ચીન આંતરરાષ્ટ્રિય સ્તરે વાયદાઓનુ પાલન કરે છે કે ખરુ, બ્રિટનના વિદેશ મંત્રીનુ નિવેદન ચીનના રાજદૂતની ટિપ્પણી બાદ આવ્યુ છે જેમાં રાજદૂતે બ્રિટન પર ચીનની આંતરિક બાબતોમાં દખલ મુકવાનો આરોપ લગાવ્યો હતો. ચીને હોંગકોંગમાં સુરક્ષા કાયદો લાવવાની જાહેરાત કરી તેના વિરોધમાં બ્રિટન હોંગ કોંગના ૨૬ લાખ લોકો માટે બ્રિટનમાં રહેવા માટેના વિઝા આપવાની જાહેરાત કરી ચુક્યુ છે.