ચીનને બોધપાઠ ભણાવવા વેપારીઓએ કમર કસી- સ્ટોકમાંનો માલ વેચ્યા બાદ બહિષ્કાર
આજથી કોઈ વેપારી ચીની વસ્તુ માટે ઓર્ડર નહીં આપે
અમદાવાદ, ચીનમાંથી આવેલા કોરોના વાયરસને કારણે ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોની ઈકોનોમી ડામાડોળ થઈ ગઈ છે. લગભગ છેલ્લા પખવાડિયાથી ભારતીય સરહદો ઉપર ચાઈનીઝ આર્મી દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી પણ કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોને લઈને હવે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ૧૦ મી જુનથી ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. પોતાના સ્ટોરકે દુકાનમાં રહેલો ચાઈનિઝ માલ વેચી દીધા બાદ નવા માલ માટે ઓર્ડર નહીં આપવામાં આવે તે માટે સંગઠનો પ્રયાસ કરશે. ચીનની હરકતોને કારણે તે પહેલાથી જ ભારત માટે અપ્રિય છે. તેમાંય વૈશ્વિક સ્તરે ભારતનો દરેક મુદ્દે વિરોધ કરવાની બાબતો સરહદોમાં ઘૂસણખોરી અને કોરોનાવાયરસ ને કારણે ચીન વધારે અળખામણો થઈ ગયો છે.
ચીનથી ભારત સહિત દુનિયાભરના દેશો નારાજ છે ત્યારે જો માત્ર ભારતમાં જ ચાઈનીઝ વસ્તુઓનો વપરાશ બંધ કરી દેવામાં આવે તો વર્ષે દા’ડે ચીનને લાખો કરોડ રૂપિયાનો નુકસાન થઇ શકે તેમ છે. જોકે વેપારીઓ ચાઈનિઝ માલ વેચવાની લાલસાને રોકી શકતા ન હોવાથી ચીન ગુજરાત અને ભારતનાં બજારોમાંથી જ કરોડો રૂપિયા કમાઈ લેતું હોય છે. હવે ચીનથી નારાજ વ્યાપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ચાઈનીઝ માલનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે
આ મુદ્દે સંગઠનના અગ્રણી હર્ષદ ગીલેટ વાળાએ જણાવ્યું હતું કે ગુજરાતની લાખો દુકાનોમાં ચાઇનાનો માલ વેચાઈ રહ્યો છે. હવે ચાઇના પ્રોડક્ટનો બહિષ્કાર કરી આત્મનિર્ભર બનવાનો સમય પાકી ગયો છે ત્યારે અમદાવાદ વેપારી મહાજન અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વેપારીઓને ચાઈનીઝ માલનો બહિષ્કાર કરવા માટે સમજાવવામાં આવશે. હાલ જે પણ સ્ટોર્સ કે દુકાનમાં ચાઈનિઝ માલ છે તેનું વેચાણ કરી દીધા બાદ નવા માલ માટે વેપારીઓ ઓર્ડર આપે નહીં તે માટે તેમને જાગૃત કરવામાં આવશે.
હર્ષદ ડીલીટ વાળાએ જણાવ્યું હતું કે સીઝનલ ધંધામાં જ કરોડો રૂપિયાનું વેચાણ થઈ જાય છે માટે હવે ધીરે ધીરે ગૃહ ઉદ્યોગથી માંડીને તમામ સીઝનલ પ્રોડક્ટ ભારતીય બનાવટની બજારોમાં વેચાય તેવો પ્રયાસ કરવામાં આવશે સાથે-સાથે મહાજનની ટીમ દરેક માર્કેટ મહાજન અને બજારોમાં જેને વેપારીઓને આ અભિયાનમાં જોડાવા અને તેનો કડકાઇથી અમલ કરાવવા માટે સમજાવશે. અત્રે એક વાત સો ટકા સ્વીકારવી રહી કે કોઈ ગ્રાહક સીધો ચાઇનાથી માલ ખરીદતો નથી જો વેપારી જચાઈનીઝ પ્રોડક્ટ લખવાનું બંધ કરી દે તો આપોઆપ તેનું વેચાણ દેશમાં પૂર્ણ થઇ જશે.