ચીનમાં આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળતા ચિંતામાં વધારો
બીજિંગ, દુનિયાભરમાં છેલ્લા ૧૪ મહિનાથી કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધા ે છે. હવે આ વાયરસને લઈ વધુ ચિંતા ઊભી કરનારા અહેવાલો સામે આવી રહ્યા છે. ચીનમાં આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળ્યો છે. અત્યાર સુધી ત્રણ સેમ્પલના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.
ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ આ આઇસ્ક્રીમ જે મિલ્ક પાવડરથી બનાવવામાં આવ્યો હતો તે ન્યૂઝીલેન્ડ અને યૂક્રેનથી આવ્યું હતું. હાલ આઇસ્ક્રીમના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જૂના અને નવા સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલો ઉત્તર ચીનના તિયાનજીન નગરપાલિકાનો છે, જયાં મહામારીની વિરુદ્ધ કામ કરી રહેલા અધિકારીઓને ત્રણ આઇસ્ક્રીમના સેમ્પલમાં કોરોના સંક્રમણ મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આઇસ્ક્રીમને બનાવનારી ડેક્વિડો ફુડ કંપનીના અનેક સ્ટાફ આ આઇસ્ક્રીમના ડબ્બાના સંપર્કમાં આવ્યા હતા. કંપની કામ કરનારા તમામ ૧૬૬૨ સ્ટાફ પર નજર રાખવામાં આવી રહી છે. સાથોસાથ હવે તેમના કોરોના ટેસ્ટ કરાવવવામાં આવી રહ્યા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી ૭૦૦ સ્ટાફના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં યુનિવર્સિટી ઓફ લીડ્સના એક વાયરોલોજિસ્ટ ડૉક્ટર સ્ટીફન ગ્રિફિને કહ્યું કે, હાલ આઇસ્ક્રીમમાં સંક્રમણ પહોંચવાથી ચિંતા કરવાની જરૂર નથી. તેઓએ કહ્યું કે શક્ય છે કે વાયરસ કોઈ સંક્રમિત વ્યક્તિથી આવ્યો હોય. આ ઉપરાંત ડૉક્ર સ્ટીફને પણ કહ્યું કે ચીનની જે કંપનીમાં આ આઇસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યો હોય ત્યાં હાઇજીનનું ઓછું ધ્યાન રાખવામાં આવ્યું હોય. તેઓએ વધુમાં કહ્યું કે આઇસ્ક્રીમને કોલ્ડ ટેમ્પરેચર પર રાખવામાં આવે છે અને તેમાં વાયરસથી જીવિત રહેવાની શક્યતા વધી જાય છે.