ચીનમાં કોરોના રિટર્ન્સ, એકી ઝાટકે ૨૭ નવા કેસ સામે આવ્યા
બીજીંગ: ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસ પરત ફર્યો છે. ચીને દક્ષિણી પ્રાંત ગ્વાંગદોંગમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યા બાદ સોમવારથી અહીં નવા નિયમો લાગુ કરી દીધા છે. અહીં પ્રાંતની રાજધાની ગ્વાંગઝૂમાં ઘણા વિસ્તારોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
જાણકારી અનુસાર આ વિસ્તારમાં કુલ ૨૭ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે માનવામાં આવી રહ્યું છે કે આ કેસ વધુ પણ હોઈ શકે છે. કોરોનાના નવા કેસોમાં ૨૦ કેસ સ્થાનીક લોકોના અને ૭ કેસ બહારથી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેસ સામે આવતાની સાથે જ લોકોને ઘરોમાં રહેવાનું કહેવામાં આવી રહ્યું છે.
ડોઢ કરોડની વસ્તી ધરાવતા ગ્વાંગઝૂના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યા અનુસાર વિસ્તારમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બજારો, ચાઈલ્ડ કેર સેન્ટર અને મનોરંજન સ્થળો રેસ્ટોરન્ટો અને સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે વિમાન, ટ્રેન, બસ અથવા ખાનગી કારમાંથી સોમવારે ૧૦ વાગ્યા બાદ ગ્વાંગદોંગથી જતા લોકોને પાછલાં ૭૨ કલાકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આપવાનો રહેશે.