ચીનમાં ફરી કોરોનાથી હાહાકાર: ઝીરો કોવિડ પોલિસી નિષ્ફળ સાબિત થઈ

શાંઘાઈ, હાલમાં ભારત સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના ઓછા કેસ જોવા મળી રહ્યા છે, પરંતુ ભારતના પાડોશી દેશ ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ચીનમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આ દેશે ‘ઝીરો કોવિડ પોલિસી’ લાગુ કરી છે, પરંતુ તે પણ અત્યાર સુધી નિષ્ફળ સાબિત થઈ રહી છે. બુધવારે અહીં 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે.
રોગચાળો શરૂ થયો ત્યારથી એક દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધુ સંખ્યા છે. ચીને ઘણા રાજ્યોમાં લોકડાઉન લગાવ્યું છે, તેમ છતાં વધતા કેસોને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, માર્ચ સુધી ચીને લોકડાઉન ,જૂથ પરીક્ષણ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર સખત પ્રતિબંધો સાથે દૈનિક કેસોને નિયંત્રિત કર્યા હતા. પરંતુ હાલમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચીનમાં સંક્રમણના 20,472 કેસ નોંધાયા છે.
જોકે રાહતની વાત એ છે કે એકપણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. લોકડાઉનમાં રહેલા લોકોને દરરોજ કોવિડ-19ની તપાસ કરવા, ઘરે માસ્ક પહેરવા સહિત સાવચેતીના પગલાં લેવા અને પરિવારના સભ્યોની નજીક જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
શહેરના એક અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, શાંઘાઈ શહેરમાં પરિસ્થિતિ “અત્યંત ગંભીર” છે. આ જ કારણ છે કે ગયા અઠવાડિયે બે તબક્કામાં શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતુ.
શાંઘાઈમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે ઝઝુમી રહેલા ચીને દેશભરમાંથી 10,000 થી વધુ આરોગ્ય કર્મચારીઓને તેના સૌથી મોટા શહેરમાં મોકલ્યા છે. જેમાં 2,000 થી વધુ લશ્કરી તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે. શાંઘાઈમાં બે-તબક્કાનું લોકડાઉન સોમવારે બીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે.