ચીનમાં બોઇંગ-૭૩૭ વિમાન તૂટી પડતા ૧૩૩ મુસાફરોના મોતનો ભય

બીજીંગ, એક ભીષણ વિમાની દુર્ઘટનામાં ચીનમાં ૧૩૩ મુસાફરો તથા ક્રૂને લઇ જતું બોઇગ ૭૩૭ વિમાન અચાનક જ દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ લોકો માર્યા ગયા હોવાનો ભય સેવાઇ છે. ચીનની ઇસ્ટર્ન ચાઇના એરલાઇનનું આ વિમાન ગુઆંગ્સી ક્ષેત્રમાં આજે બપોરે પહાડી સાથે ટકરાઇ જતાં તૂટી પડયું હતું. અને ગુઆંગ્સી વુઓઉ શહેર પાસે તેનો કાટમાળ પડયો હતો.
વિમાન ટક્કરની સાથે જ ધડાકા સાથે સળગી પડયું હતું અને આસપાસના વિસ્તારોમાં વિમાનના સળગતા ટુકડા પડતા જાેવા મળ્યા હતા.દુર્ઘટનાની ભીષણતા જાેતા કોઇપણ વ્યક્તિ બચ્યો હોય તેવી શક્યતા નથી અને રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
આ વિમાન છ વર્ષ જૂનું હતું અને બપોરે ૧.૧૫ કલાકે દુર્ઘટના નડી હતી તે સમયે તે ૩૨૨૫ ફૂટની ઉંચાઇ હતું અને બોઇંગ ૭૩૭ પ્રકાર વિમાનને નડેલી દુર્ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે. વિમાનમાં પહેલા આગ લાગી હતી કે તે પહાડી સાથે ટકરાયા બાદ આગ લાગી હતી તે અંગે પણ વિરોધાભાસી અહેવાલ મળે છે.
ચીનના ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ વુનાન પ્રાંતના કુનમિંગ ચાંગશુઇથી રવાના થયું હતું અને તે ગુઆંગ્ઝુ એરપોર્ટ પર ૩.૦૭ કલાકે લેન્ડ થવાનું હતું પણ તે પહેલા જ પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.વિમાન ૧૬૫ મુસાફરોને સમાવી શકતું હતું પરંતુ આજે ચાલક દળ સહિત ૧૩૩ મુસાફરો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે રાહત અને બચાવ દળ પહોંચી ગયું છે. પરંતુ વિમાનના કાટમાળમાંથી હજી કોઇપણ વ્યક્તિ જીવીત મળ્યા નથી.HS